મોરબી : મોરબીના નાગડાવાસ ખાતે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ જ્ઞાતિ માટે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી ઉપરાંત રાજકોટ, મહેસાણાની પ્રસિદ્ધ ટીમોએ ભાગ લીધો હતો.ક્રિકેટ ટુર્નામેન્ટમાં સવારથી સાંજ સુધી બેટ્સમેનોને ચોગા, છગ્ગાની સટાસટી લગાવી ટૂર્નામેન્ટને રોચક બનાવી દીધી હતી. આ તકે ક્રિકેટ રસિયાઓ ઉપરાંત વ્યાસ જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મંડળના યુવા અગ્રણીઓ રાજુભાઈ બોરસાણીયા, શિવસાગર વ્યાસ તેમજ પ્રયાગ ભોરણીયા તેમજ યુવા ટીમે આયોજનની કમાન સંભાળી હતી. ફાઈનલમાં મહેસાણાની અસાયત ઇલેવન અને મોરબીની લાયન્સ ઇલેવન વચ્ચે ભારે રસાકસી ભરી મેચ યોજાઈ હતી. અંતે અસાયત ઇલેવનનો વિજય થયો હતો.વિજેતા ટીમને મોરબીના ધારાસભ્યના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્યએ વિજેતા ટીમ સહીત તમામને અભીનંદન પાઠવવા સાથે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવેલ આયોજનની પ્રશંસા કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંડળના તમામ હોદ્દેદારો, સભ્યોએ જહેમત ઉઠાવી હતી.