રૂપિયા 54.27 લાખના બાકી વેરા વસુલાત મામલે પ્રખ્યાત લાબેલ લેમિનેટની કરોડોની કિંમતી જમીનનો કબ્જો લેવાયોમોરબી : મોરબી મહાનગર પાલિકા બને તે પૂર્વે જ મહાનગર પાલિકા વિસ્તારમાં વેરો ન ભરનાર આસામી સામે જે રીતે કાર્યવાહી કરવામાં આવે તે જ રીતે શુક્રવારે મોરબી નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરી વર્ષોથી મિલકતવેરો નહીં ભરનાર પ્રખ્યાત લાબેલ લેમિનેટ ગ્રુપની કરોડોની કિંમતી જમીન રૂપિયા 54.27 લાખના બાકી વેરા પેટે સાંકેતિક કબ્જો લઈ આ પ્રોપર્ટી ઉપર જાહેર ચેતવણીના બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા.મોરબી નગરપાલિકા મહાનગર પાલિકા બને તે પૂર્વે જ વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા બાકી વેરો વસૂલવા કડક હાથે કામગીરી શરૂ કરી છે અને પાલિકા દ્વારા રૂપિયા 5 લાખથી વધુ રકમ બાકી હોય તેવા 25 જેટલા અસામીઓને આખરી નોટિસ પાઠવી હતી જે પૈકી આજે મોરબીના લાબેલ લેમીનેટ ગ્રુપ દ્વારા વર્ષ 2008 -09થી પાલિકાનો બાકી નીકળતો ટેક્સ રૂપિયા 54.27 લાખ ભરપાઈ કરેલ ન હોય કલેકટર કચેરી પાછળ આવેલ લાબેલ લેમીનેટ પડતર મિલ્કતની શુક્રવારે પાલિકાના વોરંટ અધિકારી ગાયકવાડ, હાઉસ ટેક્ષ અધિકરી દલસુખભાઈ પટેલ, લાખુભા ઝાલા, પરેશભાઈ અંજારીયા સહિતની ટીમ કબ્જા નોટિસ લગાડી સાંકેતિક કબ્જો લઈ આ મિલકત કોઈ એ લે - વેચ ન કરવાની સાથે સોદાખત પણ ન કરવા તાકીદ કરી છે.ઉલ્લેખનીય છે કે, મોરબી નગર પાલિકા દ્વારા રૂપિયા 5 લાખથી વધુનો મિલ્કત વેરો બાકી હોય તેવા 25 અસામીઓને આખરી નોટિસ ફટકારી છે અને આગામી સમયમાં પણ જપ્તીની કાર્યવાહી ચાલુ રહેશે તેવું પાલિકાના ચીફ ઓફિસર સુશીલ પરમાર દ્વારા જણાવાયું છે. મહત્વનું છે કે, પાલિકા દ્વારા છેલ્લા 19 દિવસમાં જ 1.44 કરોડની અને અને ફેબ્રુઆરી માસમાં કુલ મળી રૂપિયા 1.71 કરોડની આવક થઈ છે અને અત્યાર સુધીમાં 31.50 કરોડ માંથી 10.89 કરોડની આવક થઈ હોવાનું પાલિકા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે.