જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી સામે વિરોધનો સુર ઉઠાવ્યા છતાં પ્રદેશ કક્ષાએથી નિર્ણયમાં કોઈ ફેરફાર ન થતા નારાજગીમોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસમાં ઉઠેલો વિવાદ વધુ વકર્યો છે. કારણકે જિલ્લાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના જુના અગ્રણી જયંતીભાઈ પટેલે પક્ષમાંથી રાજીનામુ ધરી દેતા સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. હાલ આ નિર્ણયથી પ્રદેશ કક્ષાના નેતાઓ પણ ચોંકી ઉઠ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી હતી. જેની સામે કાર્યકર્તાઓમાં નારાજગી હોય જિલ્લાના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે આ નિમણૂક સામે વિરોધનો સુર ઉઠાવ્યો હતો. આ મામલે પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરી હતી. પણ આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતા નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો હતો.જેને પગલે આજરોજ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું છે. તેઓએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિત જાણ કરી છે. જેમાં જણાવાયુ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે વર્ષોથી જોડાયેલ હતો. હાલમાં કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદા ઉપરથી અને પ્રાથમિક સભ્ય પદેથી સ્વેચ્છિક રાજીખુશીથી અંગત કારણોસર રાજીનામું આપું છું. પક્ષના આગેવાનો અને પક્ષના તમામ કાર્યકરોનો હંમેશા સાથ સહકાર માટે આભાર માનું છું.ઉલ્લેખનીય છે કે જયંતીભાઈ પટેલ 1985થી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ હતા. તેઓ કોંગ્રેસના જુના નેતા તરીકે જાણીતા છે. તેઓના રાજીનામાંથી લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ફટકો પડશે તેવો રાજકીય આગેવાનોમાં ગણગણાટ થઈ રહ્યો છે.