મોરબીમાં રૂ.9.98 કરોડ અને વાંકાનેરમાં રૂ.12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું : મોરબીમાં એક રેલવે ટ્રેક પણ વધ્યોમોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ મોરબી અને વાંકાનેરના ઐતિહાસિક રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ નવા રંગરૂપ સાથેના બિલ્ડિંગનો વર્ચ્યુઅલ લોકાર્પણ સમારોહ યોજાશે, રેલવે દ્વારા રાજશાહી સમયના બન્ને રેલવે સ્ટેશનનોની ઐતિહાસિક ઓળખ જાળવી રાખી કુલ 21.98 કરોડના ખર્ચે નવીનતમ સુવિધાઓ વિકસાવવામાં આવી છે.પશ્ચિમ રેલવે દ્વારા જુના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની અમૃત ભારત યોજના અંતર્ગત મોરબી અને વાંકાનેર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે જે અંતર્ગત વર્ષ 1935માં નિર્માણ થયેલા મોરબી રેલવે સ્ટેશનનો ઇતિહાસ જીવંત રાખી રેલવે દ્વારા 9.98 કરોડ તેમજ વાંકાનેરના ઐતિહાસિક રેલવે સ્ટેશનનો રૂપિયા 12 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે જેનું આગામી તા,26ના રોજ ધારાસભ્યો, સંસદ સભ્યોની ઉપસ્થિતિમાં 9 જેટલી શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ સમારોહ યોજવામાં આવશે.નવા વાઘા ધારણ કરનાર મોરબી રેલવે સ્ટેશનમાં નવી ઉપલબ્ધ સુવિધાઓ જોવામાં આવે તો 533 મીટર લંબાઈના પ્લેટફોર્મને રીનોવેશન કરી યાત્રિકોને બેસવા અને ઉભા રહેવા માટે 5 શેડ બનાવવામાં આવ્યા છે, સાથે જ પ્લેટફોર્મ પણ 500 લોકો બેસી શકે તેટલા બાકડા મુકાશે, મોબાઈલ ચાર્જિંગની સુવિધા, 2 શૌચાલય , પીવાના પાણી માટે પરબ, મહિલા અને પુરુષ માટે અલગ અલગ એસી વેઇટિંગ રુમ, દિવ્યાંગો માટે રેમ્પ, મોરબી સ્ટેશન પર 3 રેલવે ટ્રેક હતા જેમાં એક વધારીને 4 કરાયા છે અને નવું ટ્રેન ઓપરેશન બિલ્ડીંગ, ફૂટ પાથ સાથે આખા સ્ટેશનને નવા રંગ રૂપ આપવા કલર કરી વિશાળ ગાર્ડન બનાવી 200 જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે તેમજ ટુ વ્હીલર - ફોર વ્હીલર પાર્કિંગ, સ્ટેશન બહાર આરસીસી ગ્રાઉન્ડ બનાવવામાંમાં આવ્યું છે આ ત્રણ માસથી ચાલી રહેલી કામગીરી આગામી એક મહિનામાં પૂર્ણ થશે.એ જ રીતે વાંકાનેર રેલવે સ્ટેશનની નવીનતમ સુવિધાઓ જોવામાં આવે તો જુના બિલ્ડિંગનું મૂળ સ્વરૂપ જાળવી રાખી રેલવે દ્વારા સંપૂર્ણ સ્ટેશનને નવા રંગ રૂપ આપવા કલર કામ કરી વિશાળ ગાર્ડન, સ્ટેશન બહાર આરસીસી ગ્રાઉન્ડ, મહિલા અને પુરુષ માટે અલગ અલગ એસી વેઇટિંગ રુમ,દિવ્યાંગો માટે રેમ્પ, શૌચાલય, પીવાના પાણી માટે પરબ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી હોવાનું રેલવે દ્વારા જાહેર કરાયું છે.દરમિયાન મોરબીમાં 89 વર્ષથી રેલવે લાઈન અને રેલવે સ્ટેશન છે, રાજાશાહી વખતમાં મોરબી - રાજકોટ સહીત ઘણી ટ્રેનો ચાલતી તે ધીમે ધીમે બંધ થઇ ગઈ અને નવી કોઈ ટ્રેન ના મળી અને છેલ્લા ઘણા વર્ષોથી માત્ર મોરબી - વાંકાનેર ડેમુ ટ્રેન ચાલે છે, લાંબા અંતરની ડેઇલી ટ્રેનની ઘણા સમયથી માંગ કરવામાં આવે છે પરંતુ હજી મળી નથી ત્યારે હવે મોરબીનાં રેલવે સ્ટેશનમાં સુવિધા વધી છે તો ઓદ્યોગિક રીતે સમગ્ર ભારત સાથે જોડાયેલા મોરબીને લાંબા અંતરની ટ્રેન આપવા પણ તંત્ર અને રાજકારણીઓ લોકોની માંગણી સ્વીકારે તે જરૂરી છે.