માળિયા વનાળિયાના સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ પાણી પ્રશ્ને આપી હતી આત્મવિલોપનની ચીમકીમોરબી : મોરબીના માળિયા વનાળિયા ગામે પીવાના પાણી પ્રશ્ને અનેક રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ કલેકટર કચેરી ખાતે 26મીએ સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા જ તાકીદે પાણી પ્રશ્ન ઉકેલાઈ જતા આગેવાનોએ હવે આત્મ વિલોપન નહીં કરવામાં આવે તેવું સ્પષ્ટ કર્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના માળિયા વનાળીયા ગામ અસ્તિત્વમાં આવ્યા બાદ પણ હર ઘર નલ... હર ઘર જલ... જેવી સુવિધા મળવાને બદલે ગામના 700 જેટલા લોકો પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિમાં પાણીની મુખ્ય લાઈન તૂટી ગયા બાદ રીપેરીંગ પણ કરવાં ન આવતા સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ કલેકટર કચેરી ખાતે 26મીએ સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ ચીમકીને પગલે પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાકીદે ગ્રામ પંચાયતના હોદેદારો સાથે બેઠકે યોજી તૂટેલી પાણીની પાઈપલાઈન તાકીદે મરામત કરી પાણી પુરવઠો ફરી પૂર્વવત કરવા ખાતરી આપવાની સાથે માળિયા વનાળિયા ગામ માટે વાસ્મોની યોજનાને પણ ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવતા ગ્રામજનોએ અને ગ્રામ પંચાયતના હોદેદારોએ સુખદ સમાધાનકારી વલણ અપનાવી આત્મ વિલોપન નહીં કરનાર હોવાનું જણાવ્યું હતું.