મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં 15 માર્ચથી પિયતનું પાણી બંધ કરવામાં આવનાર હોવાની સરકારની જાહેરાતમોરબી : મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દર વર્ષે મોટાપ્રમાણમાં ઉનાળુ પાકનું વાવેતર કરી નર્મદા કેનાલમાથી પિયત કરતા હોય છે ત્યારે ચાલુ વર્ષે સરકાર દ્વારા 15 માર્ચથી નર્મદા કેનાલમાં પિયત માટે પાણી બંધ કરવામાં આવનાર હોવાનું અને કેનાલના ભરોસે ઉનાળુ પાકનું વાવેતર નહીં કરવા ખેડૂતોને ચેતવણી આપી છે.નર્મદા નિગમ દ્વારા સતાવાર જાહેરાત કરતા જણાવાયું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ની મોરબી શાખા નહેર (સાંકળ 59.08 કિ.મી થી 118.60 કિ.મી) તેમજ તેમાંથી નીકળતી પ્રશાખા, વિશાખા વગેરે નહેરોમાંથી પાણીનો ઉપયોગ કરતાં ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે, 15 માર્ચથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. સરકારના આયોજન પ્રમાણે 15 માર્ચ 2024થી મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. તેથી નહેરો પર આધારિત ઉનાળુ પાકનું વાવેતર કરવું નહીં. જો પાણીના અભાવે પાક નિષ્ફળ જશે તો નર્મદા નિગમની કોઈ જવાબદારી રહેશે નહીં. તવધુમાં નર્મદા કેનાલમાં પાણી છોડવાની રજૂઆતો પણ સાંભળવામાં આવશે નહીં. આ ઉપરાંત મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા નિગમની મોરબી શાખા નહેરો ઉપર બિનઅધિકૃત રીતે મૂકેલા મશીનો/પમ્પો/બકનળીઓ હટાવી/ખસેડી લેવી અન્યથા કાયદાકીય રીતે આ પ્રકારની મશીનરી પોલીસની મદદથી જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નહેરોના બાંધકામ માટે સંપાદિત કરેલી જમીનમાં હવે કોઈ પણ પ્રકારનું વાવેતર ન કરવા અને વાવેતર કર્યું હોય તો 5 દિવસમાં જમીન ખુલ્લી કરી દેવા જાહેર નોટિસમાં જણાવાયું હોય ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.