બ્રહ્માંડના પ્રથમ શિલ્પકાર, આર્કિટેક્ટ અને એન્જિનિયર એવા દેવ વિશ્વકર્માજીની આજે જયંતીશિવજીનું ત્રિશુલ, પુષ્પક વિમાન, ઇન્દ્રનું વજ્ર અને વિષ્ણુનું સુદર્શન ચક્ર પણ વિશ્વકર્માજીએ બનાવ્યું હોવાનું મનાય છેમોરબી : વિશ્વકર્મા જયંતી એ દેવોના સ્થપતિ દેવ વિશ્વકર્માને સમર્પિત ઉત્સવ છે. તેમને સ્વયંભુ અને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે. તેમણે પવિત્ર શહેર દ્વારકાનું નિર્માણ કર્યું હતું, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે શાસન કર્યું હતું. આ ઉપરાંત, તેઓ પાંડવોની માયા સભા અને દેવતાઓ માટે અનેક શસ્ત્રોના નિર્માતા હતા. ઋગ્વેદમાં સ્થાપત્ય અને યાંત્રિકી વિજ્ઞાનને આવરી લેતા સ્થાપત્ય વેદના જનક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ગુજરાતમાં વિશ્વકર્મા જયંતી વિક્રમ સંવત મહા સુદ તેરસના રોજ ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં આવે છે. આસામ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઑડિશા અને ત્રિપુરા જેવા રાજ્યોમાં આ તહેવાર 'કન્યા સંક્રાંતિ'ના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે ભારતીય પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાનો અંતિમ દિવસ હોય છે. ભારતના પડોશી દેશ નેપાળમાં પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.વિશ્વકર્મા પ્રાકટ્ય દિવસે વિશ્વકર્માની વિશેષ પૂજા કરવામાં આવે છે. દર વર્ષે બ્રહ્માંડના સૌથી મહાન અને અદ્ભુત શિલ્પકાર વિશ્વકર્માજીની આરાધનાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ શિલ્પકાર, આર્કિટેક્ટ અને એન્જિનિયર છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, જ્યારે બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી હતી, ત્યારે તેણે તેના નિર્માણની જવાબદારી વિશ્વકર્માજીને આપી હતી. શાસ્ત્રો અનુસાર વિશ્વકર્મા બ્રહ્માજીના સાતમા પુત્ર છે.હિંદુ માન્યતાઓ અનુસાર પ્રાચીન સમયમાં વિશ્વકર્મા દ્વારા દેવી-દેવતાઓના મહેલો અને શસ્ત્રોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેથી, તેમને બાંધકામના સ્થપતિ અને દેવતા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વિશ્વકર્માએ ઇન્દ્રલોક, ત્રેતામાં લંકા, દ્વાપરમાં દ્વારકા અને હસ્તિનાપુર, કળિયુગમાં જગન્નાથપુરીની રચના કરી હતી. આ ઉપરાંત, મહાદેવ શિવનું ત્રિશુલ, પુષ્પક વિમાન, ઇન્દ્રનું વજ્ર અને વિષ્ણુ માટે સુદર્શન ચક્ર પણ વિશ્વકર્માએ બનાવ્યું હતું.વિશ્વકર્માજીને વાદ્યોના દેવતા પણ માનવામા આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વિષ્કર્મા એવા દેવ છે જે દરેક યુગમાં સર્જન અને નિર્ણયના દેવતા રહ્યા છે. સમગ્ર બ્રહ્માંડમાં જે પણ સર્જનાત્મક છે તે ભગવાન વિષ્કર્માની ભેટ છે. આ કારણથી કોઈપણ કાર્યના નિર્માણ અને સર્જન સાથે જોડાયેલા લોકો વિશ્વકર્માની પૂજા કરે છે.દર વર્ષે વિશ્વકર્મા પૂજા નિમિત્તે નાના-મોટા સ્થાપનો, કારખાનાઓ અને ખાસ કરીને બાંધકામ સંબંધિત સાધનો, મશીનો અને દુકાનોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર મુખ્યત્વે ફેક્ટરીઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં અને ખાસ કરીને કાર્યશાળામાં ઉજવાય છે. માત્ર યાંત્રિકી (એન્જિનિયરિંગ) અને સ્થાપત્ય (આર્કિટેક્ચરલ) સમુદાય જ નહિ પણ કારીગરો, મિકેનિક, લુહાર, વેલ્ડરો, ઔદ્યોગિક કામદારો, ફેક્ટરી કામદારો પણ આ દિવસ ઉજવે છે. તેઓ વધુ સારા ભવિષ્ય, સલામત કાર્ય પરિસ્થિતિઓ અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા માટે પ્રાર્થના કરે છે.