ગ્રામજનોએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી અને તાલુકા પોલીસે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી મોરબી : બે દિવસ પૂર્વે મોરબીના ઘુંટુ ગામની કેનાલમાં મોરબીના ધારાસભ્યના સગાની માલિકીના ટેન્કર મારફતે ઝેરી કેમિકલ છોડવા પ્રકરણમાં જાગૃત ગ્રામજનોએ મધ્યરાત્રીએ પકડી પાડેલ ટેન્કર પોલીસે પળવારમાં જ છોડી મુકતા ઉકળી ઉઠેલા ગ્રામજનોએ ગુરુવારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી અને તાલુકા પોલીસને આવેદનપત્ર પાઠવી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારને કેમ બચાવવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠાવી તાકીદે કડક હાથે કામગીરી કરવા માંગ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પૂર્વે મોરબી તાલુકાના ઘુંટુ ગામની કેનાલમાં તેમજ જાહેર સરકારી જગ્યામાં કેમિકલ યુક્ત ઝેરી કદળો ઠાલવવા આવેલા ટેન્કર ચાલકને પકડી લઈ રાત્રે જ પોલીસને તેમજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીને દોડતી કરતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા નમૂના લઈ ગાંધીનગર ચકાસણીમાં મિકલી આપવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસે આ ટેન્કરને ફટાફટ છોડી મુક્ત ઘુંટુ ગામના લોકોમાં ઉગ્ર રોષ વ્યાપી જતા આજે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી અને તાલુકા પોલીસને આવેદનપત્ર પાઠવી શા માટે ટેન્કર છોડવામાં આવ્યું તે અંગે સવાલોની જડી વરસાવી હતી.ઉલ્લેખનીય છે કે, ઘૂટું ગામના અગ્રણી દેવજીભાઈ પરેચાએ છડેચોક આરોપ લગાવતા કહ્યું હતું કે, ટેન્કરનો માલિક ધારાસભ્યનો સગો હોવાથી પોલીસે કોઈ કાર્યવાહી કર્યા વગર જ આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ટેન્કર ચાલકને ફટાફટ જવા દીધો છે. બીજી તરફ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના અધિકારી મહેન્દ્ર સોનીએ કહ્યું હતું કે, નમૂના લેવાયા છે અને રિપોર્ટ આવ્યા બાદ કાસુરવાનોને છોડવામાં નહીં આવે. જો કે, પોલીસે પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કર્યા વવગર ટેન્કર છોડવા મામલે પ્રદુષણ નિયંત્રણ અધિકારીએ પોલીસ એવું ન કરી શકે તેમ જણાવી રિપોર્ટ મંગાવ્યો હોવાનું અંતમાં જણાવ્યું હતું.