સઘન સફાઈ ઝુંબેશને પગલે મોરબીમાં કચરા નિકાલની ફરિયાદોમાં ઘટાડો : 290 સફાઈ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સફાઈ : કાયમી આ રીતે સફાઈ ઝુંબેશ શરૂ રહે તે જરૂરીમોરબી : મન હોય તો માળવે જવાય કહેવત મોરબીમાં યથાર્થ સાબિત થઇ રહી છે, મોરબી પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા ધૂળિયા શહેર મોરબીને 15 દિવસમાં ચોખ્ખું ચણાંક બનાવવા માટે ખુદ કલેકટર અને અધિક કલેકટરની દેખરેખ હેઠળ સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવતા ઝુંબેશના પાંચ જ દિવસમાં સફાઈ અભિયાનની થોડી અસર જણાઈ રહિ છે, જો કે, છેવાડાના કેટલાક વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ 100 ટકા સફળ ન થયાનું સામે આવવાની સાથે પાલિકા કચેરીમા મહિલાઓએ દેકારો બોલાવ્યાનું પણ સામે આવ્યું છે છતાં એકંદરે સઘન સફાઇને પગલે મોરબીમાં દૈનિક 30 ટન કચરો વધુ નીકળી રહ્યો હોવાના આંકડા સામે આવ્યા છે.મોરબી નગરપાલિકાના વહીવટદાર એસ.જે.ખાચર અને ચીફ ઓફિસર સુશીલ પરમાર દ્વારા મોરબીને સ્વચ્છ બનાવવાં માટે 15 ફેબ્રુઆરીથી 6 નાયબ મામલતદાર અને 10 તલાટીઓની વિશેષ ફરજ સોંપી 290 સફાઈ કર્મચારીઓ પાસે દિવસ અને રાત્રી એમ રાઉન્ડ ધ ક્લોક સઘન સફાઈ શરૂ કરાવવામાં આવતા હાલમાં મોરબી પાલિકા કચેરીમાં આવતી ફરિયાદોમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. સાથે જ મોરબીમાં અગાઉ દૈનિક 100 ટન કચરાના નિકાલ સામે હાલમાં છેલ્લા પાંચ દિવસથી દૈનિક 130 ટન કચરો નીકળી રહ્યો હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, ધૂળિયા શહેરની ઉપમા મેળવનાર મોરબીને સ્વચ્છ બનાવવા માટે છેલ્લા 5 દિવસથી કલેકટર અને અધિક કલેકટરની દેખરેખ હેઠળ શહેરમાં સ્વછતા ઝૂંબેશ ચાલી રહી છે જેમાં નગરપાલિકાને આઠ અલગ અલગ ઝોનમાં વિભાજીત કરી તમામ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ માટે 6 નાયબ મામલતદાર અને 10 તલાટીઓની વિશેષ નિમણુંક કરી સફાઈ ખરાઅર્થમાં થાય છે કે નહીં તેનો ડે ટુ ડે રિપોર્ટ લઈ દિવસે તેમજ રાત્રીના પણ અધિકારીઓને દોડાવવામાં આવતા આ ઝુંબેશ રંગ લાવે તેવી શકયતા છે. જો કે કેટલાક કિસ્સામાં મુખ્ય બજારોમાં રાત્રી સફાઈ કામગીરી કરવામાં આવે છે અને શહેરને ચોખ્ખું ચણાક કરી નાખવામાં આવે છે પરંતુ અણસમજુ કેટલાક વેપારીઓ ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહનની જગ્યાએ સવારે રોડ ઉપર જ કચરો નાખી દેતા હોવાનું પણ સામે આવ્યું છે.દરમિયાન મોરબી નગર પાલિકા દ્વારા જાન્યુઆરીથી 28 વાહનો દ્વારા ફરી ડોર ટુ ડૉર કચરા કલેકશન શરુ કર્યું છે અને હાલમાં શહેરના 10 જેટલી એવી જગ્યા છે જ્યાં કચરો ભેગો થાય છે જેમાં સૂરજ બાગ, દરબાર ગઢ, માધાપર, આસ્વાદ પાન, ગઢની રાંગ, વાવડી રોડ, વીસી પરા, હાઉસિંગ બોર્ડ, મચ્છુ બારી, એવન્યુ પાર્ક, સો ઓરડી, રામકૃષ્ણ નગર, સહિતના જગ્યાએ હાલ ટ્રેકટર મુકવામાં આવ્યા છે જેથી લોકો કચરો તેમાં જ નાખે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું તંત્રએ જણાવાયું છે.મદીના સોસાયટીમાં 8 દિવસથી કોઈ કચરો લેવા નથી આવતું : મહિલાઓમોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી કચરો લેવા કોઈ આવતું નથી આથી લોકો ત્યાં ઘર પાસે આવેલ ખાલી જગ્યા પાસે કચરો નાખી જાય છે અને ભયંકર ગંદકી થતી હોવાની આજે મહિલાઓનું ટોળું પાલિકાએ રજૂઆત માટે ઘસી ગયું હતું અને ઉગ્ર રજુઆત કરી હતી.હવે જાહેરમાં કચરો ફેંકશો તો દંડાશો - વહીવટદારપાલિકાના વહીવટદાર એસ.જે. ખાચરે જણાવ્યું હતું કે અમે મોરબી શહેરને સ્વચ્છ બનાવવ માટે પ્રયત્નો કરીએ છીએ અને જે જગ્યાએ ઉકરડો ભેગો થાય છે ત્યાં ટ્રેક્ટરની ટ્રોલી મૂકી છે એટલે લોકોએ તેમાં જ કચરો નાખવો, અને આગામી સમયમાં જ્યાં જ્યાં આવા ન્યુસન્સ સ્પોટ છે ત્યાં કચરા પેટી મુકવામાં આવશે અને ત્યાર પછી પણ લોકો કચરો રોડ પર કે નીચે નાખશે તો તેની સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.