આપણા મૂર્ત અને અમૂર્ત વારસાને જાળવવા અને વિકસાવવા માટે ભાષાઓ એ સૌથી શક્તિશાળી સાધન છે : સંયુક્ત રાષ્ટ્રબાંગ્લા ભાષાને માન્યતા અપાવવા માટે આપેલી લડત સાથે જોડાયેલો છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસમોરબી :મને મારી ભાષા ગમે છે, કારણ બાને હું બા કહી શકું છું.મને મારી ભાષા ગમે છે, કારણ મને મારી બા ગમે છે.- વિપિન પરીખતા. ૨૧ ફેબ્રુઆરી એટલે કે આજ રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. માતૃભાષાની મહત્તા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું તેમજ મજાનું સ્લોગન આપ્યું છે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’ વ્યકિતના જીવનમાં માતૃભાષાનું સ્થાન અત્યંત મહત્વનું છે. વ્યકિતની વિચારવાની ટેવ, વિષયો, કલ્પનાઓ વગેરેમાં માતૃભાષા મહત્વનું યોગદાન આપે છે.ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. સંભાળતી ભાષા, ઉપરથી ભાષાને ઝીલવાની; સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે.આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનો ઇતિહાસઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સૌપ્રથમ ૧૭ નવેમ્બર, ૧૯૯૯ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૦૨માં સંયુક્ત રાષ્ટ્રના ઠરાવના સ્વીકાર સાથે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને ઔપચારિક માન્યતા આપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ ૧૬ મે, ૨૦૦૭ના રોજ ઠરાવમાં સ્વીકાર્યું હતું કે માતૃભાષા દિવસ એ 'વિશ્વના લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તમામ ભાષાઓની જાળવણી અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા' વ્યાપક પહેલનો એક ભાગ છે. આ ઠરાવની સાથે જ વર્ષ ૨૦૦૮ને આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ તરીકે પણ સ્થાપિત કર્યું હતું.આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવાનો મૂળ વિચાર બાંગ્લાદેશની પહેલ સાથે જોડાયેલો હતો. ૨૧ ફેબ્રુઆરી એ બાંગ્લાદેશ (તે સમયે પૂર્વ પાકિસ્તાન)ના લોકોએ બાંગ્લા ભાષાને માન્યતા અપાવવા માટે આપેલી લડતની વર્ષગાંઠ છે. તે ભારતના પશ્ચિમ બંગાળમાં પણ ઉજવવામાં આવે છે.સંયુક્ત રાષ્ટ્રનું મંતવ્યસંયુક્ત રાષ્ટ્રના મંતવ્ય પ્રમાણે આપણા મૂર્ત અને અમૂર્ત વારસાને જાળવવા અને વિકસાવવા માટે ભાષાઓ એ સૌથી શક્તિશાળી સાધન છે. માતૃભાષાના પ્રસારને પ્રોત્સાહન આપવા માટેના તમામ પગલાં માત્ર ભાષાકીય વૈવિધ્ય અને બહુભાષીય શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ભાષાકીય અને સાંસ્કૃતિક પરંપરાઓની સંપૂર્ણ જાગૃતિ વિકસાવવા અને સમજણ, સહિષ્ણુતા અને સંવાદ પર આધારિત એકતાને પ્રેરિત કરવા માટે પણ કામ કરશે.