ટૂંક સમયમાં પડતર પ્રશ્નોનો હલ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીમોરબી : મોરબી જીલ્લા પંચાયત ખાતે મોરબી તેમજ ટંકારા તાલુકાની આશરે 500 થી વધુ આશા વર્કરો, આશા ફેસીલીટર બહેનો, આંગણવાડીના બહેનો તેમજ આંગણવાડી હેલ્પરો દ્વારા માનદ વેતન બંધ કરી લધુત્તમ વેતન ચાલુ કરવામાં આવે તેમજ નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરી પેન્શન યોજના ચાલુ કરવામાં આવે તેમજ વીડીયો કોલની કામગીરી બંધ કરવામાં આવે તે સહિતના પોતાના પડતર પ્રશ્નોને લઈને ધરણાં કર્યા હતા. ટૂંક સમયમાં જ તેમના પડતર પ્રશ્નો અંગે કોઈ ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આવતી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.આશા વર્કર બહેનો, આંગણવાડીના કાર્યકર બહેનો, હેલ્પરો દ્વારા પડતર માંગણીઓને લઈને તેમજ તેમને કરાવવામાં આવતી કામગીરી અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમજ આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે. છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા ઓલ ઈન્ડિયાએ 16 અને 17 ફેબ્રુઆરીને બે દિવસની હડતાળ પાડવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ મોરબી જીલ્લા પંચાયત ખાતે મોરબી અને ટંકારા તાલુકાની 500 થી વધુ આશા વર્કર બહેનો ધરણાં પર ઉતર્યા હતા અને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો.આ વિરોધ પ્રદર્શનમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સંઘાણી રંજનબેનએ જણાવ્યું હતું કે, અમારા પડતર પ્રશ્નો જેવાં કે માનદ વેતન બંધ કરવામાં આવે, લધુત્તમ વેતન ચાલુ કરવામાં આવે તેમજ નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવામાં આવે, પેન્શન યોજના ચાલુ કરવામાં આવે તેમજ વીડીયો કોલની કામગીરી બંધ કરવામાં આવે, આશા વર્કરોને ટાઈમ ફિક્સ કરવામાં આવે જેવાં પ્રશ્નો અંગે વારંવાર ડીડીઓ, સીડીપીઓ જેવાં દરેક કક્ષાએ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે આગામી ટૂંક સમયમાં સરકાર દ્વારા અમારા પડતર પ્રશ્નો અંગે નોંધ લેવામાં નહીં આવે તો આગામી આવતી ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે. દરેક આંગણવાડી બહેનો પોતાના ગામમાં ચૂંટણીની કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરે અને બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.