હળવદના નાના એવા માથક ગામની સરકારી શાળાના ધોરણ-8ના વિદ્યાર્થીની કૃતિ દિલ્હીમાં ડંકો વગાડશેમોરબી : મોંઘી ખાનગી શાળાના જ વિદ્યાર્થીઓ હોશિયાર હોય તેવી માન્યતાનું ખંડન કરી હળવદના નાના એવા માથક ગામની સરકારી શાળાના ધોરણ-8ના વિદ્યાર્થીએ ખેતીવાડીમાં ખેડૂતોને ઓછી મહેનતે કામ કરી શકાય તેવું જંતુ નાશક દવા છાંટવાનું મશીન બનાવતા આ કૃતિ ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદ થતા મોરબી જિલ્લાનું અને હળવદનું ગૌરવ વધવા પામ્યું છે.ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય-નવી દિલ્હી દ્વારા દરવર્ષે વિદ્યાર્થીઓ દ્વારા થતા શોધ સંશોધનોને 'ઇન્સ્પાયર એવોર્ડ પાવામાં આવે છે જે અંતર્ગત વર્ષ 2023-24 માટે હળવદના નાના એવા માથક ગામમાં રહી સરકારી શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતા ધવલ નાનજીભાઈ ભોરણીયા નામના વિદ્યાર્થીની કૃતિની પસંદગી કરવામાં આવી છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા દર વર્ષે ધોરણ-6 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને કંઈક નવો વિચાર રજૂ કરવાની પ્રેરણા મળે,વિજ્ઞાન વિષયમાં રસ રુચિ કેળવાય અને બાળકને કંઈક નવું ઇનોવેશન કરવાનું પ્રોત્સાહન મળે તેવા હેતુથી દર વર્ષે 'ઇન્સ્પાયર એવોર્ડ'એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડમાં શાળાઓની પસંદગી ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.જેમાં વર્ષ-2023-24 માં માથક પે સેન્ટર શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરતા અને ખેડૂત પુત્ર ધવલ નાનજીભાઈ ભોરણીયા દ્વારા બનાવવામાં આવેલ કૃતિ'કોઠાસુઝની કમાલ: ઓછા ખર્ચે વધુ કામ, ખેડૂત ખુશહાલ'ના શીર્ષક હેઠળ બનાવેલ આધુનિક જંતુનાશક દવા છાંટવાનું યંત્ર ની પસંદગી થતા વિદ્યાર્થી ધવલ તથા તેને માર્ગદર્શન આપનાર શિક્ષકો મનદીપભાઈ ગોસ્વામી તથા કલ્પેશભાઈ મકવાણાને માથક ગામના વાલીઓ તથા હળવદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ એવોર્ડ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 1109 કૃતિ પસંદગી પામેલ છે,જેમાં મોરબી જિલ્લા માંથી ત્રણ કૃતિ પસંદગી પામેલ છે અને તે પૈકી હળવદ તાલુકાની એક માત્ર માથક પે સેન્ટર શાળાની કૃતિને સ્થાન મળેલ છે.અત્રે નોંધનીય છે કે ગત વર્ષે પણ ઉપરોક્ત બંને માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કૃતિ'આધુનિક બળદગાડું'ને પણ ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદગી પામેલ હતી. આ તકે શાળાના આચાર્ય નરેશભાઈ સોનગ્રા તથા માથક શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થી તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને માથક શાળા પરિવારમાં હરખની લાગણી છવાઈ ગઈ છે.