મોરબી : મોરબી-બરેલી ટ્રેન શરૂ કરવા મામલે અગાઉ ટાઈમ ટેબલ પણ જાહેર થયું હતું પણ આ ટ્રેન શરૂ ન થતા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુંબઈમાં પશ્ચિમ રેલવેના મેનેજરને રજુઆત કરવામાં આવી છે.મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા જણાવાયુ છે કે મોરબી ઔદ્યોગીક શહેર છે અહીં યુ.પી., એમ.પી., રાજસ્થાન, બીહાર તથા અન્ય રાજયોના શ્રમીકો વેપારી અને ગ્રાહકો આવે છે. મોરબીનું પેસેન્જરનું કલેકશન દરરોજનું ત્રીસ હજારનું છે. આર્થિક રીતે રેલ્વે માટે ફાયદા કારક છે. જો પ્રજાની સવલત માટે અને રેલ્વેને આર્થિક લાભ માટે મોરબી બરેલી ટ્રેઈન ચાલુ થાય તો વધારે સારૂ રહેશે. ભુતકાળમાં મોરબી-બરેલી ચાલુ થશે તેની માહીતી ટાઈમ ટેબલમાં આવી ગઇ હતી. પરંતુ એકાએક શું થયુ કે ચાલુ થઈ નહીં. મોરબીનું રેલ્વે સ્ટેશન અદ્યતન બને છે. પરંતુ પ્રજાની સગવડતાને નામે મીંડુ છે. જેટલી વધારે પેસેન્જર ટ્રેઈન ચાલુ થશે. તેટલી પ્રજાને સવલત અને રેલ્વેને આર્થિક ફાયદો થશે. તો પ્રજાની માંગણી લઈને મોરબી બરેલી ટ્રેઈન શરૂ કરવામાં આવે તેવી માંગ છે.