આજે વસંતપંચમી અને વેલેન્ટાઇન ડેનો અનોખો સંગમ : આ વસંત કંઇક કહે છે.. પ્રકૃતિની ભાષા બોલે છે.. પ્રેમની વાતો કરે છે..વસંતપંચમી એટલે દેવી સરસ્વતીજીનો પ્રાગટ્ય દિવસ : પુષ્ટિમાર્ગમાં હોળીખેલનો આરંભઆખરે વસંતપંચમી આવી ગઈ, આ વર્ષે વેલેન્ટાઈન ડે પણ સાથે લઈ આવી. ઋતુરાણી વસંતને વધાવવાના દિવસો આવ્યા. જાણે વ્હાલ કરવાની વેળા આવી. એવું લાગે છે કે આ વસંત કંઇક કહે છે.. પ્રકૃતિની ભાષા બોલે છે.. પ્રેમની વાતો કરે છે.. વસંત વિધવિધ ફૂલોની સોડમ અને રંગોને માણવાની ઋતુ છે. એટલે જ રાધા અને કૃષ્ણની વચ્ચે રમાતા હોળીખેલના ચાલીસ દિવસોનો આરંભ વસંતપંચમીથી થાય છે. વસંત ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠતી પ્રકૃતિ વાતાવરણને રમ્ય બનાવે છે. વસંતના વૈભવમાં યુવાન હૈયાઓમાં પ્રેમને પામવાનો પમરાટ ન થાય તો જ નવાઈ! હા, ક્યારેક પ્રેમને બદલે મિત્રતા મહોરી ઉઠે, એમ પણ બને. ધર્મ, ઉંમર, જાતિ જેવા તમામ બંધનોથી પર એવા પ્રેમને અભિવ્યક્ત કરવા માટે આ દિવસોમાં પ્રકૃતિ પણ પ્રેમીઓને અનુકુળ થઈ જાય છે. ત્યારે આ વસંત કહે છે કે પ્રકૃતિના ખોળે ઉછરેલો પ્રેમ, એ પ્રભુ સુધી પહોંચાડતો પથ છે!અને કવિ મુકેશ જોષીના આ સવાલોનો પોતાની જાતને જવાબ આપવા જેવો છે.. એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો?તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?આજે વસંતપંચમી અને વેલેન્ટાઇન ડે.. પ્રેમ વ્યક્ત કરવાના ગુજરાતી અને અંગ્રેજી દિવસનો અનોખો સંગમ છે. પ્રેમ એકલદોકલ વ્યક્તિ પૂરતો સીમિત ન રહેતા સમષ્ટિ સુધી વિસ્તરી શકે છે. જેમાં વિશ્વાસ અને આત્મીયતા મહત્વનો ફાળો આપે છે. આ દિવસો માનવજાતને સુંદર પ્રકૃતિને માણવાની મોકળાશ આપે છે. ત્યારે કોઈ પ્રત્યે હૃદયમાં થયેલા પ્રેમના સ્પંદનને અનુભવી લેવું જોઈએ. તેમજ ઈશ્વર સમકક્ષ સ્થાન ધરાવતી પ્રેમની ઊર્મિને જીવકલ્યાણ તરફ પણ વાળવી જોઈએ.વસંતપંચમી વિદ્યા અને જ્ઞાનની દેવી માતા સરસ્વતીજીનો પ્રાગટ્ય દિવસ પણ છે. જેથી, તેને જ્ઞાનપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત, પુષ્ટિમાર્ગમાં વસંતપંચમીથી હોળીખેલના ઉત્સવની શરૂઆત થાય છે. જેમાં ઠાકોરજીને ચાલીસ દિવસ સુધી અબીલ, ગુલાલ અને કેસુડાથી ખેલાવવામાં આવે છે. હોળીખેલના રસીયા (ગીતો) ગાઈને રંગોત્સવ આનંદ-ઉલ્લાસથી ઉજવાય છે. આપણું ગુજરાતી સાહિત્ય પ્રેમ અને વસંતપંચમીની રચનાઓથી અતિ સમૃદ્ધ છે. જેમાંની મનોજ ખંડેરિયા લિખિત વસંત પરની લોકપ્રિય રચના અહીં માણીએ.આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,પાછા ફરી ન આવશે તડકા વસંતના !