મોરબી : તપોભૂમિ અને સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મદિવસે રાજ્યના મુખ્યમંત્રીએ આજે ટંકારાની વર્ષો જૂની નગરપાલિકાનો દરજ્જો આપવાની વાતને સ્વીકારી હોય તેવો સંકેત આપી સમય આવ્યે ટંકારાને નગરપાલિકા બનાવી દેશું તેવું જણાવતા ટંકારાના નગરજનોમાં નવી સુવિધાઓ મળવાની આશાએ હરખની હેલી છવાઈ છે.યુગપુરુષ મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીજીની 200ની જન્મજયંતીની ટંકારાના કરશનજીના આંગણે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ ટંકારાના મહેમાન બન્યા છે, ત્યારે આજની ઐતિહાસિક ઘડીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાના સંકેતો આપ્યા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ટંકારાના સ્થાનિક ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તેમજ અન્ય આગેવાનો દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાને નગરપાલિકા આપવા માંટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે જે બાબતે સરકાર ગંભીરપણે વિચારણા કરી રહી છે અને ટેક્નિકલ બાબતોના અભ્યાસ બાદ ટંકારાને નગરપાલિકા બનાવી દેવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીના હકારાત્મક વલણને પગલે વિકાસ ઝંખતા ટંકારા શહેરના લોકોના ખુશીની લહેર દોડી ઉઠી છે.