નાની વાવડી હનુમાન મંદિર સામે બગથળા રોડ ઉપર બનેલી ઘટનામાં ત્રણ સંતાનનો પિતા ગંભીર રીતે દાઝતા રાજકોટ સારવાર મોરબી : આજના ઇન્ટરનેટના જમાનામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક -યુવતીઓ તો ઠીક પરંતુ પરણિત હોવા છતાં પળવારના પ્રેમમાં ગળા ડૂબી થવાના અને બાદમાં સમાજમાં બદનામીના ડરે આપઘાત કરવાના અનેક બનાવો વધી રહ્યા છે ત્યારે આવા વધુ એક કિસ્સામાં મોરબીના ભડીયાદ વિસ્તારમાં રહેતા ત્રણ સંતાનના પિતા એવા પ્રેમી યુવાન અને એક સંતાનની માતા એવી પરિણીત પ્રેમિકાએ એક સાથે ઝેરી દવા ગટગટાવી લઈ બાદમાં પેટ્રોલ છાંટી સળગી જતા પરિણીત પ્રેમિકાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે પ્રેમી યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામા આવ્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રવિવારે સાંજના છએક વાગ્યાના અરસામા મોરબીના નાની વાવડી ગામે હનુમાન મંદિર સામે બગથળા રોડ ઉપર સંગીતાબેન દેવજીભાઇ પરમાર ઉ.24 અને ભાડિયાદમાં જ રહેતા જ્યોતેન્દ્ર રજનીકાન્ત નાગર ઉ.24 નામના યુવાને ઝેરી દવા પી લીધા બાદ શરીર ઉપર પેટ્રોલ છાંટી સળગી જતા ગંભીર રીતે દાઝી ગયેલ સંગીતાબેન દેવજીભાઇ પરમારનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું જયારે ગંભીર રીતે દાઝી ગયેલા જ્યોતેન્દ્ર રજનીકાન્ત નાગરને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.વધુમાં આ ચકચારી બનાવમાં મૃતક પરિણીતા સંગીતાબેન દેવજીભાઇ પરમાર અને દાઝી ગયા બાદ હાલમાં રાજકોટ હોસ્પિટલના બિછાને પડેલા જ્યોતેન્દ્ર રજનીકાન્ત નાગર વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે. જ્યોતેન્દ્ર હાલમાં મિનરલ વોટરની બોલેરો ચલાવતો હોવાનું અને ત્રણ વર્ષના લગ્ન જીવનમાં સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે, ઉલ્લેખનીય છે કે ચારેક દિવસ પૂર્વે જ મોરબીના લખધીરપુર રોડ ઉપર પણ આવા જ એક કિસ્સામાં જામનગરના પરિણીત પ્રેમી યુગલના પ્રેમ સંબંધનો પણ કરું અંજામ આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે હાલમાં મોરબી તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે.