મોરબી જિલ્લામાં નહીં પ્રવેશવાની શરતે ઓરેવા મેનેજરને જામીન આપતી હાઇકોર્ટ ઝૂલતો પુલ રિપેર કરવાનો કોન્ટ્રાકટ ધરાવતા આરોપીને પણ જામીન અપાયા : દિપક પારેખને પાસપોર્ટ જમા કરાવી દેવા અને વિદેશ નહીં જવાની પણ નામદાર હાઇકોર્ટે જામીન આપતી વેળાએ શરત મૂકી મોરબી : મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે અંતે ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખની રેગ્યુલર જામીન અરજી શરતોને આધીન મંજુર કરી છે, નામદાર ગુજરાત હાઇકોર્ટે દિપક પારેખને ઝૂલતાપૂલ કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પૂર્વ મંજૂરી વગર મોરબી જિલ્લામાં નહીં પ્રવેશવા ઉપરાંત પાસપોર્ટ જમા કરાવી દેવા અને વિદેશ નહીં જવાની પણ શરતો મૂકી છે. સાથે જ ઝૂલતો પુલ રિપેર કરવાનો કોન્ટ્રાકટ ધરાવતા આરોપી પ્રકાશ પરમારને પણ નામદાર હાઇકોર્ટે જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે.ઓક્ટોબર 2022માં મોરબીનો ઐતિહાસિક ઝુલતોપુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ નિપજતા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી જેલમાં ધકેલી દીધા હતા જે પૈકી અગાઉ મુકેશ દલસીંગભાઇ ચૌહાણ, અલ્પેશ ગલાભાઇ ગોહિલ, દિલીપ ગલાભાઇ ગોહિલ, મનસુખભાઇ વાલજીભાઇ ટોપીયા, મહાદેવભાઈ લાખાભાઇ સોલંકી અને દિનેશ મનસુખરાઇ દવેની રેગ્યુલર જમીન અરજી મંજુર થઇ હતી. જે બાદ આજે નામદાર ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીના મેનજર દિપક નવિંચંદ્ર પારેખ અને ઝૂલતાપૂલનું રીનોવેશન કામ કરનાર કોન્ટ્રાકટર પ્રકાશ પરમારની રેગ્યુલર જામીન અરજી મંજુર કરી છે.નોંધનીય છે કે નામદાર ગુજરાત હાઇકોર્ટે ઝૂલતા પુલ કેસમાં આરોપી દિપક પારેખને ઝૂલતાપૂલ કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પૂર્વ મંજૂરી વગર મોરબી જિલ્લામાં નહીં પ્રવેશવા ઉપરાંત પાસપોર્ટ જમા કરાવી દેવા અને વિદેશ નહીં જવાની પણ શરતો મૂકી છે. નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજીની સુનાવણી સમયે આરોપી દિપક પારેખના એડવોકેટ દ્વારા દિપક પારેખ ઓરેવા કંપનીમાં માત્ર એડવર્ટાઈઝમેન્ટ અને મીડિયાની કામગીરી જ કરતા હોવાની પણ દલીલ કરવામાં આવી હતી.