બે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન થયુંટંકારા : ટંકારા તાલુકાની લખધીરગઢ પ્રાથમિક શાળામાં GCERT ગાંધીનગર પ્રેરિત સ્કૂલ ટ્વીનિંગ કાર્યક્રમ યોજાયો હતો. સ્કૂલ ટ્વીનિંગ કાર્યક્રમ અંતર્ગત ધ્રુવનગર પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના બાળકો અને શિક્ષકમિત્રો નાના ખીજડીયા પે. સેન્ટરની શાળા લખધીરગઢ પ્રાથમિક શાળાની શૈક્ષણિક મુલાકાતે આવ્યા હતા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ સહ-શૈક્ષણિક પ્રવિધિઓનું આદાન-પ્રદાન કર્યું હતું. જેમાં સંસ્કૃત શ્લોક ગાન, યોગ, ધૂન, અભિનય ગીત, તાલ સાથે ઘડિયા ગાનથી પ્રાર્થના સભામાં ચાર ચાંદ લાગી ગયા હતા.ટ્વીનિંગ પાર્ટનરશીપ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો દ્વારા જુદી-જુદી એક્ટિવિટી કરવામાં આવી હતી તેમજ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઈનામ આપી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્પિનિંગ મિલની મુલાકાત પણ લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ મુલાકાત દરમિયાન, કાચાં રૂમાંથી દોરો બને ત્યાં સુધીની પ્રોસેસ થતી જોઈ, વિવિધ પ્રશ્નો પૂછી પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા જોઈ મિલના મેનેજરે તેમને તમામ પ્રક્રિયા ઉંડાણપૂર્વક સમજાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.