મોરબી : મોરબીના વાઘપરના પીલુડી ગામે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા તા. 16 થી 18 ફેબ્રુઆરીના મોમાઈ માતાજીના મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવરંગા માંડવાની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞના આચાર્ય પદે ડો. શાંતિલાલ ઠાકર (અમરેલીવાળા) વૈદીક મંત્રો દ્વારા યજ્ઞ કરાવશે.આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. તેમજ તા.18ના બપોરના 12:45 કલાકે નિજ મંદિરમાં મૂર્તિઓના નેત્રાંજન પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત તા. 16ના સવારે 7:30 કલાકે નગરયાત્રા નીકળશે, રાત્રે 9 થી 12 કલાકે માતાજીના ગરબા અને તા. 18ના બપોરના 12 કલાકે પટેલ સમાજની વાડી, વાઘપર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં તા.18ના સવારે 9:30 કલાકે સંતોના સામૈયા યોજાશે. આ તકે મુની રાજર્ષિ, મહંત શેરનાથજી ગુરૂ ત્રિલોકનાથજી- ભવનાથ તળેટી ( જૂનાગઢ), લાલબાપુ- ગધેડા (ગાયત્રી આશ્રમ), સ્વામી અક્ષયાનંદજી (નિખીલદેવ), કથાકાર માતાજી દેવીમાં (અંકેવાળિયા) સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે.આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર વાઘપર ગામની જનતાને ઉપસ્થિત રહેવા સમસ્ત જાડેજા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.