મોરબી : શાળા સમયથી જ બાળકોમાં કસરત કરવાથી તેમજ સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવાથી થતાં ફાયદાઓ અંગે જાગૃતિ આવે તેવા હેતુથી સભારા વાડી પ્રાથમિક શાળા ખાતે હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને સાયકલ ચલાવી સ્વસ્થ રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો.આ હેલ્થ સેમિનારમાં મોરબીના ડાયાબિટીસનાં નિષ્ણાંત ડો.ચિરાગ અઘારા (ઉમા ડાયાબિટીસ સેન્ટર) દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ દરેક વ્યક્તિના જીવનમાં નિયમિત કસરત અને સ્વાસ્થ્યપ્રદ ખોરાકનું મહત્ત્વ રહેલું છે તે સમજાવી બાળકોને નિયમિત સાયકલ ચલાવી સ્વસ્થ રહેવા સૂચન કરાયું હતું. આ સેમિનારમાં બાળકોને પ્લાસ્ટિક પેકિંગમાં મળતા નાસ્તા બંધ કરવાનું અને ઘરેથી બનાવેલો નાસ્તો લઈ આવવાનું વચન લેવડાવવામાં આવ્યું હતું. સાથે સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ઉજાસભણી કાર્યક્રમ અંતર્ગત HIV રોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય વિજયભાઈ દલસાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.