હળવદ : હળવદમાં ઠાકર પરિવાર દ્વારા વૈજનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેનો બહોળી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે. જેમાં કાલે સંતવાણી યોજાશે.આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ગૌભક્ત ધનેશ્વરભાઈ જોષી (પંડીત) વ્યાસપીઠેથી રસપાન કરાવી રહ્યા છે. સાત દિવસ ચાલનાર આ સપ્તાહમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે અને હજુ આગામી તા.8ને ગુરૂવાર સુધી ચાલવાની છે ત્યારે તા.5ના ધ્રાંગધ્રાના કાનેશ્વર મહાદેવ મંડળ દ્વારા રાત્રે 8 કલાકે શિવ મહિમ્ન સ્ત્રોતનો કાર્યક્રમ યોજાશે તેમજ તા. 6ના સાંજના 5 કલાકે ભજનાનંદ આશ્રમ બોટાદના સંત આત્માનંદજી સરસ્વતી ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. તેમજ તા. 6ના રાત્રીના 9 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અપેક્ષાબેન પંડ્યા, જયમંતભાઈ દવે, પ્રદીપદાન ગઢવી સહીતના કલાકારો પોતાની આગવી શૈલીમાં ભજનો પ્રસ્તુત કરશે.