વર્ષ 2018માં જિલ્લા કલેકટરે દબાણ નિયમીત કરવા હુકમ કરવા છતાં પાંચ વર્ષ બાદ પણ નિરાશ્રિત જેવી સ્થિતિમાં રહેતા લોકોમોરબી : મોરબીના જાંબુડિયા નજીક આવેલ મચ્છોમા નગર વિસ્તારમાં રહેતા 2500 જેટલા લોકો હાલમાં જિલ્લા વહીવટી તંત્રના અણગમાનો શિકાર બની નિરાશ્રિતથી બદતર જિંદગી જીવી રહ્યા છે, આ વિસ્તારના લોકો માટે નથી પીવાના પાણીની યોજના, નથી શૌચાલય સુવિધા કે નથી સ્ટ્રીટ લાઈટ ! રોડ રસ્તાની તો વાત જોજનો દૂર છે, જિલ્લા કલેકટર મોરબીએ વર્ષ 2018માં અહીં વસવાટ કરતા લોકોના મકાનને કાયદેસર કરવા હુકમ કર્યો હોવા છતાં પાંચ વર્ષ બાદ પણ મકાનો રેગ્યુલાઈઝડ ન થતા હાલમાં ન્યાય માટે નાગરિકોએ કલેકટર કચેરીએ ડેરા તંબુ ગાળ્યા છે.મોરબીના જાંબુડિયા નજીક આવેલ મચ્છોમાં નગરને વર્ષોથી લાઈટ, પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા મચ્છોમાં નગર સેવા સમિતિના નેજા હેઠળ લડત ચલાવવામાં આવતા વર્ષ 2018મા જિલ્લા કલેકટર મોરબીએ દબાણ કેસ ચલાવી અહીં વસવાટ કરતા નાગરિકોના મકાનોને રેગ્યુલાઈઝડ કરવા હુકમ કર્યો હતો. પરંતુ પાંચ પાંચ વર્ષ વીતવા છતાં પણ આ હુકમનો અમલ ન થતા ફરી એક વખત મચ્છોમાં નગર સેવા સમિતિએ લડતના મંડાણ કર્યા છે.મચ્છોમા નગર સેવા સમિતિના આગેવાનોએ તંત્ર ઉપર આરોપ લગાવતા જણાવ્યું છે કે અહીં વસવાટ કરતા 2500 નાગરિકો કાળી મજૂરી કરી ગુજરાન ચલાવે છે, અહીં સરકારી તંત્ર પીવાનું પાણી પણ ન આપતું હોય ગરીબ નાગરિકો સ્વખર્ચે બે બોરના બિલ ભરીને પાણી મેળવે છે. આ ઉપરાંત અહીં શૌચાલયની સુવિધા પણ ન હોય લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર છે. જેથી સત્વરે મચ્છોમાં નગરના નાગરિકોને સુવિધા મળે તે માટે લડત શરૂ કરવામાં આવી છે.