મવડા સ્થગિત થતાં મોરબીને મોટું નુકસાન થયું હોવાનું દુર્લભજીભાઈ દેથરીયાએ સ્વીકાર્યુંમોરબી : ગઈકાલે ગુજરાતનું વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ અંગે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.દુર્લભજીભાઈ દેથરીયાએ સૌપ્રથમ બજેટ અંગે વાત કરતાં કહ્યું કે, આ બજેટ છેવાડાના માનવી માટે સુખાકારીનું બજેટ હતું. જ્યારે હું મોરબી જિલ્લા ભાજપનો અધ્યક્ષ હતો ત્યારથી અમારી માંગણી હતી કે મોરબી મહાનગરપાલિકા બને અને બજેટમાં આ જાહેરાત થતાં આ માંગણી પૂર્ણ થઈ છે. દુર્લભજીભાઈ દેથરીયાએ કહ્યું કે, બજેટમાં રજૂઆતો કરી હતી. કે મોરબીને મહાનગરપાલિકા બનાવવી અને મોરબીમાં કૃષિ કોલેજ બનાવવી. આ મુદ્દાને હાલ બજેટમાં સમાવવામાં આવ્યા છે. તે બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા ભાજપના નેતાઓ જશ ખાટવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે તેવા સવાલના જવાબમાં દુર્લભજીભાઈ દેથરીયાએ કહ્યું કે, જશ ખાટવાની કોઈ વાત નથી સૌના સહિયારા પ્રયાસથી અને રજૂઆતોથી જ આ શક્ય બન્યું છે.મવડા સ્થગિત થવા અને તેનાથી મોરબીને નુકશાન થયું હોવા અંગેના સવાલના જવાબમાં દુર્લભજીભાઈ દેથરીયાએ કહ્યું કે, જે-તે સમયે મવડા સ્થગિત કરવા માટે સ્થાનિક ગ્રામ્ય કક્ષાના આગેવાનોની માંગણી મુજબ સરકારમાં મવડા રદ કરવાની રજૂઆતો કરી હતી. અને સાથે મવડા સ્થગિત થતાં મોરબીના વિકાસને મોટું નુકસાન થયું હોવાનું પણ દુર્લભજીભાઈ દેથરીયાએ સ્વીકાર્યું અને કહ્યું કે, મવડા સ્થગિત થતા મોરબીનો વિકાસ ઘણો પાછળ રહી ગયો હતો. લોકોને પણ થોડી અડચણો આવી છે. દે પરંતુ હવે મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી છે. જેથી સૌ સાથે મળીને સારી સુવિધા મળે તે માટે આગળ વધીશું.મોરબીમાંથી સુખી સંપન્ન લોકો રાજકોટ - અમદાવાદ સ્થાયી થવા લાગ્યા, હવે મોરબીનાં ડેવલોપમેન્ટ માટે કોર્પોરેશન અત્યંત જરૂરી હતું : ધારાસભ્યપ્રેસ કોન્ફરન્સમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈએ ખુલ્લા મને વાત કરતા જણાવ્યું હતું કે મોરબીમાંથી સુખી સંપન્ન પરિવારો રાજકોટ કે અમદાવાદ જેવા શેહરોમાં રેહવા માટે સ્થાયી થઈ રહ્યા છે. મોરબીમાં હવે ડેવલોપમેન્ટ પ્લાન વગર રહવું મુશ્કેલ છે. અને મોરબીનાં સુનિયોજિત ડેવલપમેન્ટ માટે કોર્પોરેશન અને ડેવલોપમેન્ટ ઓથોરિટીની ખાસ જરૂર હતી. જેની જાહેરાત સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી છે.