હળવદ : મોરબી એલસીબી ટીમે હળવદના સરા રોડ ઉપર રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 35 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો અને પોલીસની પૂછતાછમાં વિદેશી દારૂનો આ જથ્થો કોયબાના શખ્સે આપ્યો હોવાનું ખુલતા એલસીબી ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદના સરા રોડ ઉપર આવેલ વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલ પાછળ રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના કલ્યાણપર ગામના વતની આરોપી ધર્મેન્દ્ર ધીરુભાઈ ચાવડા પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા રહેણાંકમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 35 બોટલ કિંમત રૂપિયા 16,460 મળી આવ્યો હતો. વધુમાં પોલીસે આરોપી ધર્મેન્દ્ર ધીરુભાઈ ચાવડાની પોલીસે પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો હળવદના કોયબા ગામના સુખદેવસિંહ ઉર્ફે એસપી પથુભા ચાવડા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.