મોરબી : મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી-રાજકોટની ડેમુ ટ્રેન ચાલુ કરાવવા માટે વેસ્ટર્ન રેલવે કચેરીના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી ઔદ્યોગિક શહેર હોવાથી મજૂરો અને કામદારોની અવરજવર વધુ રહેતી હોય છે. મોરબીથી રાજકોટ ઘણા કર્મચારીઓ અને વેપારીઓ આવન-જાવન કરતાં હોય છે. મોરબીથી રાજકોટનું ભાડું પણ વાજબી હોય મુસાફરોને ફાયદો થાય છે. પરંતુ મોરબીમાં ટ્રેનો ચાલતી નથી. તેથી સવારે-બપોરે અને સાંજે મોરબી-રાજકોટ ઈલેક્ટ્રીક ડેમુ ટ્રેન શરૂ થાય તે જરૂરી છે. આ ઉપરાંત ડેમુ ટ્રેન જો માળીયા સુધી લંબાવવામાં આવે તો ઘણા વ્યક્તિઓને લાભ મળી શકે તેમ છે. જે ટ્રોન પહેલા ચાલુ હતી તે કેમ બંધ કરવામાં આવી તે અંગે પણ લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે. તેથી પ્રજાના હિત માટે મોરબી- રાજકોટ ડેમુ ટ્રેન તાકીદે ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી છે.