પરિવારથી ઉપરવટ જઈ લગ્ન કરનાર મોરબીની ભણેલી ગણેલી દીકરીએ પતિ, સાસુ અને સાસુના માનેલા ભાઈ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીમોરબી : આંતરજ્ઞાતિય પ્રેમ લગ્નમાં નિષ્ફળતાઓના અનેક કિસ્સાઓ વચ્ચે મોરબીની વિપ્ર યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ જામનગરના જૈનમ સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ પસ્તાવાનો વારો આવ્યો છે, મોરબીની દીકરીને દારૂડિયા પતિ તેમજ સાસુ અને સાસુનો માનેલો ભાઈ દુઃખ ત્રાસ આપતા હોય હાલમાં આ મામલે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલ તુલસી પાર્કમાં રહેતી એકતાબેન અતુલભાઈ ભટ્ટે વર્ષ 2013મા મૂળ મોરબીના અને હાલમાં જામનગર રામેશ્વર સોસાયટીમાં રહેતા જૈનમ રાજેશભાઇ મકવાણા સાથે પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટ રાહે પ્રેમલગ્ન કર્યા હતા. થોડો સમય સાસરીમાં સારી રીતે રાખવામાં આવ્યા બાદ એકતાબેનને દારૂડિયો પતિ જૈનમ અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપી પિતાના ઘેર બનતું ન હોવા છતાં એકતાબેનને પિતા પાસેથી પૈસા લાવવા દબાણ કરતો હતો. વધુમાં પરિણીતાના સાસુ કૈલાશબેન રાજેશભાઇ મકવાણા અને તેમના સાસુનો માનેલો ભાઈ જયદીપ હરદાસભાઈ ગાગિયા પણ કૌટુંબિક ક્લેશમાં પતિનો સાથ આપી એકતાબેન ઉપર સિતમ વરસાવતા અંતે પતિ સહિતના સાસરિયાથી કંટાળેલા એકતાબેને મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.