મોરબી : મોરબી જીલ્લામા ફરજ બજાવતા રાષ્ટ્રીય અને રાજ્યના એવોર્ડ મેળવનાર શિક્ષકોએ પડતર પ્રશ્નો અને પડતર માંગણીઓ વહેલીતકે ઉકેલવામાં આવે તે માટે ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યને રજૂઆત કરવામાં આવી હતી.ગુજરાતમાં વર્ષ 1995થી રાષ્ટ્રીય અને રાજ્ય એવોર્ડી શિક્ષકોનું ફેડરેશન કાર્યરત છે, એવોર્ડી ટીચર્સ ફેડરેશન શૈક્ષણિક અને સામાજીક બાબતોમાં વર્ષોથી પોતાનું ઉત્તરદાયિત્વ ખુબ જ સારી રીતે નિભાવી રહ્યું છે. ત્યારે મોરબી જીલ્લામાં પણ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા ઘણા બધા શિક્ષકો સન્માનિત છે. જેઓના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ છે. જેમાં ગુજરાત રાજ્યના વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો, પ્રોજેક્ટો અને વિવિધ પરીક્ષાઓમાં એવોર્ડી શિક્ષકોની સેવા લેવામાં આવે છે ત્યારે ગુજરાત રાજ્યની નિગમની તમામ પ્રકારની બસોમાં આજીવન નિ:શુલ્ક મુસાફરી માટે અમલ થાય, ગુજરાતની બસ જ્યાં જ્યાં જાય ત્યાં સુધી મુસાફરીનો લાભ મળવો જોઈએ.વધુમાં હાલ લોકલ, એક્સપ્રેસ અને ગુર્જર નગરી બસોમાં જ સુવિધાઓ મળે છે. એવોર્ડી ટીચર્સને એક વધારાનો ઈજાફો આપવામાં આવે તે તમામ પડતર માંગણીઓ અને પ્રશ્નો હલ કરવા સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા વગેરેને રજૂઆત કરવામાં આવી હતી.આ રજુઆતમાં એવોર્ડ મેળવનાર શિક્ષકો પૈકી દિનેશભાઈ વડસોલા, કમલેશ દલસાણીયા, દિનેશભાઈ ભેંસદડિયા, વિજયભાઈ દલસાણીયા, હર્ષદભાઈ મારવણીયા,જીતેન્દ્ર પાંચોટીયા, રમેશભાઈ પટેલ, શૈલેષભાઈ કાલરીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.