મોરબી : ગોંડલના 17માં મહારાજા તરીકે સત્તારૂઢ થયેલા હિમાંશુકુમારસિંહજી મહારાજ સૌપ્રથમ વખત મોરબી રાજવી પરિવારના મહેમાન બન્યા હતા અને રાજવી પરિવારના દેવાલયોમાં પૂજા અર્ચના કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના 17મા મહારાજા તરીકે ગત તા.22જાન્યુઆરીના રોજ સતારૂઢ થયા બાદ મહારાજા હિમાન્શુકુમારસિંહજી સૌ પ્રથમ મોરબી રાજવી પરીવારના આમંત્રણને માન આપી તા.24ના રોજ મોરબી રાજવી પરિવારના મહેમાન થયા હતા.ગોંડલ મહારાજાએ મોરબી મુલાકાત દરમિયાન ઠાકોર શ્રી વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચના કરી હતી. બાદમાં ન્યુ પેલેસ ખાતે આવેલ શ્રી મોમાઈ માતાજી તથા શ્રી શ્રી આનંદમયી માતાજીની પુજા અર્ચના કરેલ હતી. ગોંડલ મહારાજા સાથે દેશ-વિદેશના મહેમાનો પણ મોરબીના મહેમાન બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોરબી રાજવી પરીવાર તથા ગોંડલ રાજવી પરીવાર શ્રી શ્રી આનંદમયી માતાજી પ્રત્યે અનન્ય શ્રધ્ધા ધરાવે છે.