જાગૃત ખેડૂતે મુખ્યમંત્રીથી લઈ જિલ્લા કલેકટર, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ખેતીવાડી વિભાગ સહિતનાઓને લેખિત ફરિયાદ કરી વળતરની માંગ કરી મોરબી : સીરામીક સીટી મોરબી આસપાસના વિસ્તારોમાં પ્રદુષણની સમસ્યા વ્યાપક બની છે ત્યારે મોરબી તાલુકાના સોખડા ગામે એક ચોંકાવનારા કિસ્સામાં કેમિકલ ફેક્ટરીમાંથી નીકળતા ઝેરી ધુંમાડાને કારણે ખેડૂતનું 40 વીઘા જમીન ઉપર વાવેલ જીરૂનો પાક બળી જતા આ ગંભીર બાબતે જાગૃત ખેડૂતે રાજ્યના મુખ્યમંત્રીથી લઈ જિલ્લા કલેકટર, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ખેતીવાડી વિભાગ સહિતનાઓને લેખિત ફરિયાદ કરી વળતરની માંગ કરતા ચકચાર જાગી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકના સોખડા ગામે રહેતા અને ખેતી કરતા બીજલભાઈ અરજણભાઈ ખાંભરા ઉ.70 નામના ખેડૂતે મોરબી જિલ્લા કલેકટર સમક્ષ ચોંકાવનારી લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે, તેઓ સોખડા ગામે રેવન્યુ સર્વે નંબર 195ની 40 વીઘા અને 15 ગુંઠા જમીન ધરાવે છે આ ખેતીની જમીનમાં તેઓએ જીરૂનું વાવેતર કરતા જીરૂનો પાક ખુબ જ સારો એવો ઉગ્યો હતો અને ફાલેફૂલે આવ્યો હતો. જો કે, તેમના ખેતરના સીમાડે જ આવેલ કેમિકલ ફેક્ટરીમાંથી સતત નીકળતા ઝેરી ધુંમાડાને કારણે હાલમાં તેમનો જીરુંનો પાક બળી જતા હાલમાં બીજલભાઈ ઉપર આભ તૂટી પડવા જેવી સ્થિતિ વચ્ચે મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે.વધુમાં બીજલભાઈ ખાંભરા નામના વૃદ્ધ ખેડૂતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની ખેતીની જમીનમાં વાવેલ જીરુંનો પાક ઝેરી કેમિકલ યુક્ત ધુંમાડાને કારણે બળી જતા ગામના સરપંચને પણ જાણ કરી હતી અને સરપંચે પણ આ અંગે લેખિત પત્ર પાઠવ્યો છે, જો કે, કેમિકલ ફેકટરીના પ્રદુષણને કારણે ખેડૂત બિજલભાઈનો જીરાનો પાક બળી જતા તેઓએ આ ગંભીર બાબતે કેમિકલ ફેકટરીના સંચાલકોને ફરિયાદ કરી ઝેરી પ્રદુષણ ન ફેલાવવા વિનવણી કરવા છતાં કેમિકલ ફેક્ટરી વાળાઓએ લાજવાને બદલે ગાજી પ્રદુષણ તો ફેલાશે જ તેવું જણાવતા અંતે આ મામલે ખેડૂત બીજલભાઈ ખાંભરાએ મોરબી જિલ્લા ક્લેક્ટરને સંબોધી રાજ્યના મુખ્યમંત્રીથી લઈ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ખેતીવાડી વિભાગ સહિતનાઓને લેખિત ફરિયાદ કરતા ચકચાર જાગી છે.