મોરબી : હિંદુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ હોય છે. દર મહિનામાં બે વખત એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. એકાદશીનો પાવન દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ગુજરાતી પંચાંગ મુજબ હાલમાં પોષ મહિનો ચાલી રહ્યો છે. પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. શ્રાવણની સુદ અગિયારસનાં દિવસની એકાદશીને પણ પુત્રદા એકાદશી કહે છે. કહેવાય છે કે સંતાનપ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીનું વ્રત ઉત્તમ ફળદાયી નીવડે છે.પોષ પુત્રદા એકાદશીની કથાઓપૌરાણિક કથાઓ અનુસાર પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે. મહિષ્મતી નામના રાજ્ય પર મહાજિત નામના એક રાજા શાસન કરતા હતા. આ રાજાની પાસે વૈભવની કોઈ અછત નહોતી, પરંતુ તેમને કોઈ સંતાન નહોતુ. જે કારણે રાજા પરેશાન રહેતા હતા. રાજા પોતાની પ્રજાનું પણ પૂરતુ ધ્યાન રાખતા હતા. સંતાન ન હોવાના કારણે રાજાને નિરાશા ઘેરવા લાગી. ત્યારે રાજાએ ઋષિ મુનિઓનું શરણ લીધુ. તેઓ દ્વારા રાજાને એકાદશી વ્રત વિશે જણાવવામાં આવ્યુ હતુ. રાજાએ વિધિસર એકાદશી વ્રત પૂર્ણ કર્યું અને નિયમથી વ્રતના પારણા કર્યા. થોડો સમય પસાર થયા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો.અન્ય એક કથા અનુસાર ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુમાન નામનો રાજા હતો. તે ખૂબ જ બહાદુર, કુશળ શાસક અને સેવાભાવી રાજા હતો. તેના રાજ્યમાં લોકો તેના શાસનથી સંતુષ્ટ અને ખુશ હતા. સમયાંતરે રાજા પ્રજાના હિતમાં શુભ કાર્યો કરાવતા હતા. પરંતુ તે રાજાને કોઈ સંતાન ન હતું. તેથી રાજાને હંમેશા ચિંતા રહેતી હતી કે મારો કોઈ વારસદાર નથી. રાજા રાત-દિવસ વિચારતા હતા કે તેના મૃત્યુ પછી તેનું પિંડદાન કોણ કરશે.એક દિવસ શિકાર કરવા ગયેલો રાજા ભટકતો ભટકતો જંગલમાં ખૂબ જ આગળ પહોંચી ગયો. જ્યાં એક ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. રાજા એ ઋષિને વંદન કર્યા અને પોતાની બધી તકલીફો ઋષિને કહી અને કહ્યું હે ઋષિ, કૃપા કરીને મારા દુઃખનો અંત કરો. પછી ઋષિએ પોષ માસના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ પોષ પુત્રદા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. આ વ્રત કરવાથી તમને પુત્રની પ્રાપ્તિ થશે. રાજાએ ઋષિની વાત સાંભળી અને ઉપવાસની રીત વિશે પૂછ્યું અને પરત પોતાના મહેલમાં આવ્યા. ત્યારબાદ રાજાએ તેની પત્ની સાથે ઉપવાસ કર્યો અને સમય જતાં રાજાને પુત્રની પ્રાપ્તિ થઈ.