હળવદ : શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામ ભગવાનના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આખું વિશ્વ રામમય બન્યું છે ત્યારે હળવદ મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા પિતા તેમજ સગા વહાલાઓને પ્રસંગ અનુરૂપ પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.પ્રભુ શ્રી રામના દિવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ વિશિષ્ટ અવસરે દરેક વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાની લાગણી અને ભાવ પ્રગટ કરવાની સાથે પ્રભુ શ્રીરામના શ્રેષ્ઠ ગુણ, આજ્ઞા પાલન દરેક વિદ્યાર્થીએ પોતાના જીવનમાં લાવવાનો સંકલ્પ કર્યો હતો. ભગવાન શ્રીરામનું જીવન એટલે શ્રેષ્ઠત્વની ટોચ હોવાનું ગણાવી આદર્શ પિતા રામ, આદર્શ મિત્ર રામ, આદર્શ પતિ રામ, આદર્શ પુત્ર રામ,આદર્શ રાજા રામ, આદર્શ દુશ્મન રામ, આદર્શ ભાઈ રામ વિશે વિશિષ્ટ વર્ણન કર્યું હતું.મહર્ષિ ગુરુકુલના મેનેજિંગ ડાયરેક્ટર રજનીભાઇ સંઘાણીના જણાવ્યા મુજબ મર્યાદા પુરુષોત્તમ રામના ગુણો આપણા અને વિદ્યાર્થીઓના જીવનમાં સ્થિર થાય અને પોતાના માતા પિતાનો ભરોસો કાયમ માટે જાળવીને શ્રેષ્ઠ અભ્યાસ કરે તેવી ઉમદા ભાવના સાથે મહર્ષિ ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ પોતાના સ્નેહીજનોને પત્ર લખ્યા હતા. સાથો સાથ 550 વર્ષના સંઘર્ષ બાદ નિર્માણ થયેલ અયોધ્યા રામ મંદિર માટે તન, મન, ધનથી પોતાનું શ્રેષ્ઠત્વ અર્પણ કરનાર તમામ રાષ્ટ્રવાસીઓને પણ તેમને રામ રામ કહ્યા હતા.