મોરબી : રાષ્ટ્રીય પ્રાથમિક શાળા મોરબીમાં આજથી પચાસ વર્ષ પહેલાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ત્રીજો ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ મધુવન ગ્રીન્સ-મોરબી ખાતે જગદીશભાઈ અમૃતિયાના નિવાસસ્થાને યોજાયો હતો. અર્ધી સદીની યાત્રા પસાર કરી વાનપ્રસ્થમાં પ્રવેશ કરવા જઈ રહેલા સહાધ્યાયી ભાઈ-બહેનોએ છેલ્લા ચાર વર્ષેથી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે આ વર્ષે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભુ શ્રી રામના જયનાદ સાથે આરંભાયેલ આ મિલન સભામાં સ્કૂલ વિષયક બાળપણનાં સ્મરણો વાગોળ્યા હતા.RPS સ્કૂલમાં ભણીને ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ઘડતર કર્યું છે અને હાલ લંડન, અમદાવાદ, મોરબી, રાજકોટ, વડોદરા વગેરે સ્થળોએ વસવાટ કરી રહ્યા છે. સ્નેહ મિલનમાં આવા ત્રીસેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સ્કૂલનું આદર્શ વાતાવરણ, શિક્ષકની શિસ્તપ્રિયતા, કેમ્પસની ધીગા મસ્તી વગેરે સ્મરણો વાગોળ્યા હતા. સામાજિક, પારિવારિક, ધાર્મિક, બદલાયેલા સમયની તાસીર અને સંતાનોની વર્તમાન ગતિવિધિની ચર્ચાઓ કરી હતી.અયોધ્યા પ્રભુ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિશે અને તે પુનિત દિવસે કરવાના વિધિવિધાનો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ઉપસ્થિત સદસ્યોમાં જગદીશ પ્રેસવાળા જગદીશ અમૃતિયા- અલ્પાબેન અમૃતિયા, ઉદ્યોગપતિ રમેશ વરસડા, દિનેશ ઉઘરેજા, નગરપાલિકા સાથે જોડાયેલ દિપકસિંહ જાડેજા, ડો. ભાવેશ જેતપરિયા, ગીરીશ ફૂલતરિયા, પિયુષ મકવાણા, આફતાબ કોન્ટ્રાક્ટર, મધુસૂદન કુબાવત, ગીતાબેન મનાણી-નવીન્દ્ર મનાણી(UK)ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ફેશન ડિઝાઈનર માલા મહેતા, સમાજ સેવક સુશીલ કાનાબાર અને વિનોદ ગણાત્રા, શિક્ષણ સાથે સંકળાયેલા જયસુખ કૈલા, પિયુષ મકવાણા, યામિની જાની, જયશ્રી કારિયા, સારંગા જેતપરિયા, સીમા મનાણી (UK) રૂપા શેઠ, ચૌલા ફૂલતરિયા, રાધા ચોપડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમૃતિયા પરિવાર અને મનાણી પરિવારનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.