મોરબીમા 12 વર્ષની ઉંમરે કારસેવામાં ગયેલા રાજુભાઇ શાખા વાળાએ આજે સુવર્ણ અવસરે વાસ્તુકાર્ય કરી ગૃહપ્રવેશ કર્યોમોરબી : વર્ષ 1992મા રામજન્મભૂમિ અયોધ્યા ખાતે કાર સેવા માટે દેશમાંથી લાખો રામ સૈનિકો પહોંચ્યા હતા જેમાં 12 વર્ષની સૌથી નાની વયે કારસેવામાં ગયેલા મોરબીના રાજુભાઇ શાખા વાળા એટલે કે, રાજુભાઈ દશાડિયાએ મનોમન સંકલ્પ કર્યો હતો કે, પહેલા પ્રભુ શ્રીરામ નિજ મંદિરમાં બિરાજશે ત્યાર બાદ જ તેઓ પોતાના મકાનનું વાસ્તુકાર્ય કરી ગૃહ પ્રવેશ કરશે, જોગાનુજોગ આજે અયોધ્યા ખાતે રામલલ્લા મંદિરમાં બિરાજમાન થયા છે અને આ સુવર્ણ ઘડીએ દશાડિયા પરિવારે પણ વાસ્તુકાર્ય કરી આજે ગૃહપ્રવેશ કર્યો છે.આજે સમગ્ર ભારતવર્ષમાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ હર્ષોલ્લાસ છવાયો છે ત્યારે મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં એક ઘર એવું છે જ્યાં પ્રભુ શ્રી રામનું સ્વપ્ન સાકાર થવાની સાથે દંપતીનું અનેરું સ્વપ્ન પણ સાકાર થયું છે. શૈશવકાળથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા રાજુભાઇ છોટાલાલ દસાડીયા અને તેમના પત્ની જાગૃતિબેનનો વિશેષ સંકલ્પ આજે પૂર્ણ થતાં તેઓ પોતાના આશ્રય સ્થાનમાં ગૃહપ્રવેશ કરવા આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે વાસ્તુકાર્ય યોજયું છે.માત્ર 12 વર્ષની નાની ઉંમરે કાર સેવા કરવા માટે અયોધ્યા ગયેલા રાજુભાઈ દશાડિયા કહે છે કે, ડિસેમ્બર 1992ના વર્ષમા રેલવે મારફતે તેઓ અયોધ્યા ગયેલા અને સતત ત્રણ દિવસ સુધી વિપરીત પરિસ્થિતિમા કારસેવા માટે દોડાદોડી કરી હતી. ભૂતકાળની યાદો તાજી કરતા તેઓ ઉમેરે છે કે, અયોધ્યામાં પરિસ્થિતિ તંગ બનતા હાથમાં ચપ્પલ લઈને લાઠીચાર્જ અને પોલીસ કાર્યવાહીથી બચવા જ્યા આશરો મળે ત્યાં દોડી જતા અને એક રાત્રી તો અયોધ્યાના સ્મશાનગૃહમાં વિતાવી હતી, સવાર પડતા જોયું તો અહીં સ્મશાન હોવાનો ખ્યાલ આવ્યો હોવાનું જણાવ્યું હતું.વધુમાં શાખા વાળા રાજુભાઈથી મોરબીમાં જાણીતા આરએસએસના સ્વયં સેવક રાજુભાઇ છોટાલાલ દશાડીયાના ધર્મપત્ની જાગૃતિબેન પણ હાલમાં શિશુમંદિરમા આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે અને પતિદેવના દ્રઢ સંકલ્પને સાકાર કરવામાં તેમને પણ સહયોગ આપી આટલા વર્ષ સુધી ભાડાના કે પોતાના મકાનમાં રહેવા છતાં પ્રભુ શ્રી રામ અયોધ્યા ખાતે નિજ મંદિરમાં ન બિરાજે ત્યાં સુધી પોતાના ઘરના ઘરમાં વાસ્તુકાર્ય કરી નહિ વસવાટ કરે તે સંકલ્પને વળગી રહી આજે આ સંકલ્પ પરિપૂર્ણ થતા પોતાના ઘરના ઘરમાં ગૃહ પ્રવેશ કર્યાનું જણાવ્યું હતું.