મોરબી : મોરબીની નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થીઓને હિંગોળગઢ અભ્યારણ ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા સસ્ટેનેબલ લાઈફ સ્ટાઈલ પ્રેક્ટિસિસ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગોમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિ જીવન અનુલક્ષીને અલગ-અલગ વિષયો પર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો તેમજ વન ભ્રમણ, પક્ષી દર્શન તેમજ વેળાવદર કાળિયાર અભયારણ્યની મુલાકાત જેવાં વિવિધ બે દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોરેસ્ટર રામાણીના માર્ગદર્શન હેઠળ ભાવેશભાઈ ત્રિવેદી, મુકેશભાઈ અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ શિક્ષણ આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર ફાઉન્ડેશન એટલે કે ગુજરાત ઈકોલેજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવાના ભાગરૂપે ગ્રીનિંગ ટેકનિક્સ, ઓર્ગેનિક ફાર્મિંગ તેમજ સ્થાનિક જૈવિક વિવિધતા અને ખાસ કરીને જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ અંગે સમજ કેળવી તેના સંરક્ષણ અને સંવર્ધનના મહત્ત્વને સમજવા જેવી બાબતો અંગે તાલીમ વર્ગો યોજવામાં આવે છે. ત્યારે નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થીઓ બે દિવસીય શિબિરમાં ભાગ લઈ પ્રકૃતિ શિક્ષણ અંગેના વિવિધ મુદ્દાઓ અંગે સમજ મેળવી હતી.