29 ફેબ્રુઆરી સુધી મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન મતદારોને જાગૃત કરવા અલગ અલગ વિસ્તારમાં ફરશેમોરબી : મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી, વાંકાનેર અને ટંકારામાં મતક્ષેત્રમાં મતદાર જાગૃતિ માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશન વાન થકી લોકો ઇવીએમ અને વિવિપેટ અંગે તમામ જાણકારી મેળવી શકશે.આજરોજ મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચર, ડેપ્યુટી કલેકટર સુશીલ પરમારના હસ્તે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સુચનાથી ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે મતદારો માહિતગાર થાય તથા જાગૃતિ વધે તે માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાનને પ્રસ્થાન કરાવ્યું હતું.આ મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન મોરબી જિલ્લામાં 65- મોરબી વિધાનસભા મતદારવિભાગ, 66-ટંકારા વિધાનસભા મતદારવિભાગ અને 67- વાંકાનેર વિધાનસભા મતદારવિભાગમાં આવેલ તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો જેમ કે, શાક માર્કેટ, મોટો ચોક, બસ સ્ટેન્ડ વિગેરે સ્થળોએ આગામી તા.29 ફેબ્રુઆરી સુધી ભ્રમણ કરશે. જેમાં લોકોને ઇવીએમ અને વિવિપેટથી માહિતગાર કરવામાં આવશે.નોંધનીય છે કે, મોરબી જિલ્લા હેડ ક્વાર્ટર કચેરી, સબ-ડીવીઝન કચેરી ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્ર બનાવવામાં આવશે. જયા લોકોને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવા માટે કામગીરી કરવામાં આવશે. જેથી તા.29 ફેબ્રુઆરી સુધી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન અને ઈવીએમ નિદર્શન કેન્દ્રની વધુમાં વધુ લોકો મુલાકાત લે અને લોકો ઈવીએમ-વીવીપેટનું જ્ઞાન મેળવે તેવી મોરબી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે.