તળાવમાં બોટિંગ કરતી વેળાએ સર્જાઈ દુર્ઘટના : હાલ મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન શરૂમોરબી : વડોદરામાં તળાવમાં બોટિંગ કરતી વેળાએ બોટ ઊંઘી વળી જતા 12 છાત્રો અને 2 શિક્ષક મળી કુલ 14 લોકોના મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે. હાલ અહીં મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ 12 વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચી ગયેલા અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના સ્થળે 10 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ બચાવની કામગીરી ચાલુ છે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવાના રવાના થયા છે.હાલ ઘટનાસ્થળે પુરજોશમાં રેસ્ક્યુ અભિયાન ચાલી રહ્યું છે. હાલ મળતા અહેવાલો મુજબ 6 બાળકો અને એક શિક્ષણ હજુ લાપતા હોવાની આશંકા સેવાઈ છે. મૃતકોમાં સકીના શેખ, મુઆવજા શેખ, આયત મન્સૂરી, અયાન મોહમ્મદ ગાંધી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર, આયેશા ખલીફા, નેન્સી માછી, હેત્વી શાહ , રોશની સૂરવે સહિતના વિદ્યાર્થીઓ અને છાયા પટેલ તથા ફાલ્ગુની સુરતી આ શિક્ષકોનો સમાવેશ થાય છે.હરણી લેકની દુર્ઘટના વિશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત દુઃખદ છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.’