જમીનની દલાલી કરતા દેવીપુર ગામના આધેડને બોલાવી બે શખ્સોએ માર માર્યો હળવદ : હળવદના નામચીન શખ્સ અને તેના મળતિયાએ દેવીપૂર ગામના જમીન મકાનના દલાલ પાસે કારણ વગર જમીનની દલાલીના 70 હજાર અત્યારે જ આપવા પડશે કહી ધોકા પાઇપ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા બે શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા અને જમીનની દલાલી કરતા ફરિયાદી મુકેશભાઇ ભગવાનભાઇ સિણોજીયા ઉ.55 નામના આધેડે હળવદના પંકજભાઇ ચમનભાઈ ગોઠી અને રણમલપુર ગામના કરશનભાઇ હરજીભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે બન્ને આરોપીઓએ તેઓને ફોન કરી દેવીપુર ગામના પાટિયા પાસે બોલાવી જમીન દલાલીના 70 હજાર આપવા જણાવતા ફરિયાદી મુકેશભાઈએ કહ્યું હતું કે મેં કરાવેલ સોદામાં તમે ક્યાંય હતા નહીં તો દલાલી કેમ આપું ? આવો જવાબ આપતા આરોપી પંકજ અને કરશન ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડના પાઇપ તેમજ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી સ્વીફ્ટ કારમાં નાસી જતા બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.