ઉમિયા સર્કલ નજીક કેનાલમાં ખાબકેલા નંદીને દોરડા વડે બાંધી ધસમસતા પાણીના પ્રવાહમાંથી બચાવી લેવાયો મોરબી : મોરબી શહેરની વચોવચ્ચ પસાર થતી મચ્છુ કેનાલમાં આજે સવારે એક નંદી પડી ગયો હોવાનું ત્યાંથી પસાર થતા લીડીંગ ફાયરમેનના ધ્યાનમાં આવતા સ્થાનિક લોકોની મદદ લઈ નંદીને દોરડા વડે બાંધી પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો.આજરોજ સવારે દસેક વાગ્યાના અરસામાં મોરબી ફાયર બ્રિગેડમા લીડિંગ ફાયરમેન તરીકે ફરજ બજાવતા જયેશ ડાકી અને તેના સાથી મિત્ર નીરવભાઈ બાઇક લઈને પસાર થતા હતા ત્યારે ઉમિયા સર્કલ નજીક કેનાલ પાસે લોકોને એકઠાં થયેલ જોતા તો ત્યાં કેનાલમાં નંદી એટલે કે, આખલો ફસાયેલ જોવા મળેલ હતો. જો કે, પાણીનો પ્રવાહ વધારે હોવાની સાથે બાજુમાં જ અંડરગ્રાઉન્ડ સાઇફન હોવાને કારણે નંદીને બચાવવામાં મુશ્કેલી પડતી હોય લીડિંગ ફાયરમેન જયેશ ડાકીએ પળવારનો પણ વિલંબ કર્યા વગર પાણીમાં છલાંગ લગાવી આખલાને રસ્સા વડે બાંધી લોકોની મદદથી બહાર કાઢી અબોલ પ્રાણીનો જીવ બચાવ્યો હતો.