મોરબી : ઉત્તરાયણ બાદ પતંગના નકામા દોરાના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે ત્યારે લીલાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આવા દોરા એકઠા કરીને સરાહનીય કાર્ય કર્યું છે.લીલાપર પ્રાથમિક શાળા દ્વારા પક્ષીઓને બચાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો .જેમાં ઉત્તરાયણ બાદ જે તે રખડતા દોરા વીણી લઈને વિદ્યાર્થીઓને શાળાએ લઈને આવવા જણાવાયું હતું. આ કાર્યમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌથી વધારે દોરા લાવનાર બાળકને શાળા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના ધોરણ 8મા અભ્યાસ કરતા સુરેલા દેવ અને ધોરણ 7મા અભ્યાસ કરતા આંત્રેસા વિષ્ણુ આ બંને વિદ્યાર્થીઓ બે કિલો કરતાં પણ વધારે દોરો એકઠો કર્યો હતો અને ધોરણ 8મા અભ્યાસ કરતી ભૂંભરીયા ધ્રુવી અને ધોરણ 7મા અભ્યાસ કરતી ભૂંભરીયા ક્રિષ્નાએ એક કિલો જેટલો દોરો એકઠો કર્યો હતો. ધોરણ 1 થી 5મા ધોરણ 3મા દેગામા પ્રિન્સ અને ધોરણ 5મા દેગામા સુમિતે સૌથી વધુ દોરા ભેગા કર્યા હતા. દોરાનું વજન 2 કિલો અને 700 ગ્રામ થયું હતું. આમ તમામ વિદ્યાર્થીઓએ પક્ષીઓને બચાવવા માટે ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે. આ સમગ્ર બાબતે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. દોરા ભેગા કરવા પાછળનો ઉદેશ્ય સ્વચ્છતા જળવાય અને પક્ષીઓને બચાવી શકાય તેનો હતો.