શનાળા બાયપાસની સોસાયટીમાં 15 દિવસથી પાણી વિતરણ ન થતા રહીશોમાં ભારે રોષમોરબી : મોરબી શહેરના છેવાડાના વિસ્તાર શનાળા બાયપાસ ઉપર આવેલી સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ભરશિયાળે પાણીની હૈયાહોળી સર્જાઈ છે. રહીશોના કહેવા મુજબ છેલ્લા 15 દિવસથી પાણીનું એકેય ટીપું આવ્યું જ નથી અને ઉપરથી જવાબદાર તંત્રમાંથી કોઈ યોગ્ય જવાબ આપતું જ ન હોવાથી સામાન્ય વર્ગના રહીશોને પાણીની જરૂરીયાત પુરી કરવા પોસાય તેમ ન હોવા છતાં ફરજિયાત દરરોજ પાણીના ટાંકા મંગાવી વેચાતું પાણી લેવા મજબુર બનવું પડે છે.મોરબીના શનાળા બાયપાસ ઉપર આનંદનગર પાસે આવેલી ખોજા સોસાયટી કૃતિ પાર્કમાં રહેતા જેનિશભાઈ કાનાભાઈ રબારીએ તેમની આ સોસાયટીમાં સર્જાયેલી કૃત્રિમ પાણીની સમસ્યા અંગે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી તેમની સોસાયટીમાં પીવાના પાણીનું એકેય ટીપું જ આવ્યું નથી. જો કે થોડા સમય પહેલા આ વિસ્તારોને જોડતી પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી આ પાણીની સમસ્યા સર્જાય એવું કહેવાયું હતું. પણ પછીથી તેમની આજુબાજુની તમામ સોસાયટીઓ અને વિસ્તારોમા પાણી ચાલુ થઈ ગયું હતું અને હાલ તેમની આ એકમાત્ર સોસાયટીને બાકાત કરતા આજુબાજુમાં ધમધોકાર પાણી આવતું હોય અને અમારી સોસાયટી કેમ પાણીથી વંચિત છે ? તેવો સવાલ ઉઠાવીને રહીશોએ પાણીની સમસ્યા માટે નગરપાલિકામાં કોઈ જવાબ જ દેતું ન હોવાથી 15 દિવસથી પાણી ન આવવાથી અમારી સોસાયટીના આશરે 100 જેટલા લોકોની કફોડી હાલત થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.ભરશિયાળે પાણીના એક એક બુંદ માટે તરસવું એ બહુ જ કફોડી હાલત છે. જેમાં આ સોસાયટીમાં રહેતા લોકો સામાન્ય વર્ગના હોય અને પરવડે તેમ ન હોવા છતાં પાણી માટે રીતસર વલખા મારી પાણીની જરૂરિયાત પૂરી કરવા મોંઘા ભાવના પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. દરરોજ પાણીના ટેન્કરનો ખર્ચ માથે પડતો હોય રહીશોએ જવાબદાર તંત્ર સમક્ષ તેમની સોસાયટીની વહેલીતકે પાણી સમસ્યા ઉકેલવાની માંગ કરી છે.