માધાપર ઓ.જી. વિસ્તારમાં ત્રણ રોડ અને આંગણવાડીનું મકાન બનાવવાની જાહેરાત ઉપસ્થિત લોકોએ વધાવીમોરબી : મોરબીના માધાપરવાડી વિસ્તારમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં આવ્યા હતા. ત્યારે વાડી વિસ્તારના રહીશોએ વિવિધ પ્રશ્ને આવેદન પાઠવી રજુઆત કરી હતી.આવેદનમાં જણાવાયુ હતું કે મોરબીના માધાપરવાડી સહિતની જુદા જુદા વાડી વિસ્તારના લોકો પોતાની માલિકીના ખેતરમાં વડીલ ઉપાર્જીત ખેતર વાડીમાં રહેણાંક મકાન બનાવતા હોય સિંગલ ફેઝ કનેક્શન લેવા માટે એક સર્વે નંબરના 7-12 અને 8 માં જેટલા નામો આવતા હોય એ બધાની સહીઓ લેવી પડે છે. જેમાંથી ઘણા બધા હયાત ન હોય અનેક લોકોના સોગંદનામા કરવા પડે છે જે ખુબજ મુશ્કેલ ભર્યું અને અશક્ય કામ હોય લોકો સિંગલ ફેઝ કનેક્શન મેળવી શકતા નથી. એજ પ્રમાણે માધાપરવાડી વિસ્તારના લોકો પોતાની માલિકીના ખેતર વડીલોપાર્જીત જમીનમાં જ વસવાટ કરતાં હોય છે અને નાના મોટા વ્યવસાય માટે દુકાન, કારખાના, ગૃહ ઉદ્યોગ કરતા હોય છે. જેમાં થ્રિ ફેઝ ઇલેક્ટ્રિક કનેક્શનની જરૂર પડતી હોય છે પણ વાડી વિસ્તારમાં પી.જી.વી.સી.એલ. દ્વારા થ્રિ ફેઝ વીજ કનેક્શન આપતા ન હોય લોકોને ખુબજ હાલાકી સહન કરવી પડતી હોય વાડી વિસ્તારમાં થ્રિ ફેઝ કનેક્શન મળે એ બાબતે તેમજ કેનાલ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ વિસ્તાર માટે કેનાલ પર રોડ બની રહ્યો છે એ રોડને 700 થી 800 મીટર લંબાવવામાં આવે તો મોટા ભાગનો વાડી વિસ્તાર કવર થઈ શકે તેમ છે. જેથી લોકોને આવવા જવા માટેની મુશ્કેલીઓ નિવારી શકાય એ બાબતે યોગ્ય કરવાની માંગ કરી હતી.આ વેળાએ જયંતિભાઈ પડસુંબિયા પૂર્વ કારોબારી ચેરમેન, દુલર્ભજીભાઈ દેથરીયા અને મોહનભાઈ કુંડારિયા વગેરેએ જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી ત્રણ રોડ અને નાના ભૂલકાં માટે આંગણવાડીનું મકાન મંજુર કરવાની જાહેરાત કરતા ઉપસ્થિત લોકોએ આ જાહેરાતને વધાવી લીધી હતી.