મોરબી : મોરબીની અમૃત વાટિકા સોસાયટીમાં અયોધ્યાથી આવેલા પુજિત અક્ષત કળશનું સામૈયું કરીને ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.સમગ્ર દેશ અને દુનિયા આગામી 22,જાન્યુઆરીએ અયોધ્યા ખાતે થનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આનંદ અને ખુશી જોવા મળી રહી છે ત્યારે વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થયું છે. તેવામાં અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું મોરબીની અમૃત વાટિકા સોસાયટીના રામભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બાળાઓ દ્વારા સામૈયુ પણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ અક્ષત કળશને વાજતે ગાજતે અવની ચોકડીથી ધૂન ભજન ગાઈ,રાસ રમતા સોસાયટીના ચોકમાં લઈ જવામાં આવ્યો હતો.ચોકમાં શ્રીરામને સમર્પિત ભવ્ય રંગોળી તથા દીવડાથી સજાવવામાં આવ્યો હતો.નાના ભૂલકાથી માંડી મોટી વયના વૃદ્ધઓ પણ રામધૂનમાં તલ્લીન થઈ ગરબે ઘૂમ્યા હતા.અંતે રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશની આરતી ઉતારી અને હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું.