આપણા મમ્મી-પપ્પાની જેમ પક્ષીઓના બચ્ચા પણ માળામાં માતાપિતાની રાહ જોતા હોય છે !!(સંકલન-ધરતીબેન બરાસરા મોરબી ): મોરબીમા છેલ્લા વર્ષોમાં ઉત્તરાયણે પતંગો ચગાવાનું મહત્વ વધી ગયું છે, તેમાંય ઘણા લોકો પેચ લડાવવા અને એકબીજાની પતંગો કાપવા માટે કાચથી બનેલી ઘાતક દોરી કે પ્રતિબંધિત ચાઈનાની દોરીથી પતંગો ચગાવતા હોવાથી પતંગ રસિયાઓની આ મજા ગગન વિહાર કરતા પક્ષીઓ માટે તેમજ રસ્તે નીકળતા લોકોની મોતની સજા બની જાય છે. ત્યારે આ વખતે ઉત્તરાયણમાં મોરબીના ઘણા યુવાનોએ પક્ષીઓ અને લોકોની સલામતી માટે ઘાતક દોરીનો ઉપયોગ ન કરવો તેમજ પક્ષીના વિહાર સમયે એટલે સવારે અને સાંજે પતંગો ન ઉડાડવાનો સંકલ્પ લીધો છે.મોરબીના 29 વર્ષીય પ્રિયા વિનોદભાઈ સચાણીયાએ કાવ્યાત્મક શૈલીમાં ઉતરાયણમાં પતંગની મોજને કરીએ ઉલ્લાસની ખોજ, હાથમાં ન રાખીએ એવી દોરી કે જે ના કાપે પક્ષીઓના જીવનની ડોર, તેવો મેસેજ આપ્યો છે. જ્યારે 40 વર્ષીય પુનમ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આપણી તો માત્ર પતંગ કપાય છે, પણ ક્યાંક નિર્દોષ મૂંગા પક્ષીનો પરિવાર વિખાય છે. પતંગ તો બીજી ખરીદી લેશો, પણ પક્ષી પરિવારને કેમ બનાવી દેશો ? એટલે માત્ર 'જીવો અને જીવવા દો' નહીં, પરંતુ 'જીવાડો' શબ્દને પણ ધ્યાનમાં રાખી કરુણા અભિયાનના સૂત્રને સાર્થક કરીશું. 33 વર્ષીય વંદના સરડવાએ જણાવ્યું હતું કે, પશુ, પક્ષી, માણસ સહિત દરેકનો જીવ અમૂલ્ય છે. આથી માત્ર થોડી મોજ-મસ્તી માટે કેમ ન સમજીએ દરેકના જીવનું મૂલ્ય? આપણાં જેવો જ જીવ પક્ષીઓમાં પણ હોય પતંગ ચગાવવાની મજા લેવામાં ક્યાંક તેઓનો જીવ ન લઈ લઈએ એ વાતનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ.મોરબીના 19 વર્ષીય હર્ષ પી.ગામી એ કહ્યું કે, હમણા મકરસંક્રાંતિ આવશે મારા જેવા યુવાનો માટે મજા કરવાનો દિવસ એ કાપ્યો છે કાપ્યો છે ની બુમો વચ્ચે કોઈ પક્ષી ન કપાય જાય એનુ પણ ધ્યાન રાખીશ. આપણા મમ્મી પપ્પા જેમ આપણી રાહ જોતા હોય છે એમ પક્ષીઓનો પરિવાર પણ એમની રાહ જોતો હોય છે, એ ધ્યાનમા રાખીને જ પતંગ ચગાવવાનુ અમે બધા મિત્રોએ નક્કી કર્યું છે.એ જ રીતે મોરબીની 17 વર્ષીય વિશ્વા એસ.સરડવાએ કહ્યું હતું કે, આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે મોત નજર સામે દેખાય તો શુ થાય? શુ મારા જીવનની પતંગને આ દોરી કાપશે? આ યુવાનોની ઉત્તરાયણની મજા એટલે પક્ષીઓના મોતની સજા ન બને તે માટે આપણે સહુ પક્ષીઓની કાળજી રાખી સાવચેતીથી પતંગ ચગાવીએ. 18 વર્ષીય ધ્રુવી પી.સરડવાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જતું હોય એ રંગમા કોઈ પક્ષીના લોહીનો રંગ ન ભળે એનુ આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ અને એવી કાતિલ દોરીનો ઉપયોગ ન કરીએ જે પક્ષીઓ તો ઠીક પણ માણસનું પણ ગળું ન કાપે. જ્યારે 18 વર્ષીય પ્રેક્ષા ડી. ભીલાએ જણાવ્યું હતું કે, માંજો એવી રીતે બનાવવામાં આવે છે કે બીજાનો પતંગ આસાનીથી કાપે પણ કમનસીબે તે માત્ર પતંગ જ નહી કેટલાય અબોલ પક્ષીઓ અને મનુષ્યની જીવનની ડોર પણ કાપે છે. આથી પક્ષી બચાવ અભિયાનને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ ઉજવશું.મોરબીના 37 વર્ષીય રીટાબેન એન. મેરજાએ જણાવ્યું હતું કે, અમે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં જ પતંગ ઉડાડશું.જેથી પક્ષીઓ ઘાયલ ન થાય.'ઊંચે ઉડવાની ચાહમાં આ ઉત્તરાયણે પક્ષીઓની પાંખો ન કાપીએ, આવો મનોરંજનની સાથે થોડી સાવચેતી પણ રાખીએ. ડૉ. પુનીતા સંઘાણીએ કહ્યુ હતુ કે, ચાલો આ સંક્રાતિ પર નવા વર્ષનો એક નવો સંકલ્પ કરીએ, માંજાને બદલે સાદી દોરીથી પતંગ ચગાવીને પક્ષી બચાવીએ, આપણા આનંદને મોજ મજામાં કોઈ પક્ષીને ઇજા ન પહોંચે એનું ધ્યાન રાખીએ, તેમજ 31 વર્ષીય પૂજાબા શિવભદ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આનંદ છે, ઉતરાયણનો, પતંગ એકબીજાની કાપવાલગાવશું હોડ, પણ યાદ રાખીશું આપણે સૌ, આ હોડમાં કપાઈ ન જાય કોઈ પારેવાના જીવનની ડોર.