આજે વિશ્વ હિન્દી દિવસ : હિન્દી ભાષાને મહાત્મા ગાંધીજીએ લોકોના માનસની ભાષા કહીમોરબી : દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ વિશ્વમાં હિન્દી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે જાગૃત્તિ ફેલાવવાનો છે. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે હિન્દી ભાષાની મહત્તા વધારવા માટે વર્ષ 2006માં દર વર્ષે 10 જાન્યુઆરીએ હિન્દી દિવસ મનાવવાની જાહેરાત કરી હતી.મહાત્મા ગાંધીજી રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાને સ્થાપિત કરવાની સૌ પ્રથમ પહેલ કરીઆઝાદી પહેલાંના હિંદુસ્તાનમાં અનેક ભાષાઓ બોલાતી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં અંગ્રેજી ભાષાને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. હિન્દી ભાષાના ઉદયથી અર્થતંત્ર પરની પકડ ગુમાવવાના ભયથી અંગ્રેજ સરકારે દેશમાં અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું શરૂ કરી ભારતની સંસ્કૃતિને ભારતવાસીઓથી દૂર રાખવાની કોશિષ કરી. જે અંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને જાણ થતાં તેમણે અનેક ભાષાઓ ધરાવતા ભારત રાષ્ટ્રમાં રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાને સ્થાપિત કરવાની સૌ પ્રથમ પહેલ કરી અને ઈ.સ. 1917માં ભરૂચ ખાતે યોજાયેલ સંમેલનમાં હિન્દી ભાષાના મહત્વને સમજાવી રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાની વાત કરી હતી. જેનો અમલ ઈ.સ. 1947માં બંધારણના અનુચ્છેદ 343માં કરવામાં આવ્યો હતો.આઝાદીની ચળવળમાં ક્રાંતિવીરોએ ‘‘તુમ મુજે ખુન દો, મૈ તુમે આઝાદી દુગા’’, ‘‘આધી રોટી ખાયેગેં, દેશ કો બચાયેગેં’’ જેવા અનેક નારા હિન્દી ભાષામાં જ આપ્યા હતા. વર્તમાન સમયમાં પણ હિન્દી પુરા વિશ્વમાં સૌથી વધુ બોલાતી ચોથી નંબરની ભાષા છે. હિન્દી ભાષાને પ્રોતસાહન આપવા માટે સરકાર દ્વારા રાષ્ટ્રભાષા કીર્તિ પુરસ્કાર અને રાષ્ટ્રભાષા ગૌરવ પુરસ્કાર દર વર્ષે એનાયત કરવામાં આવે છે.હિન્દી ભાષાને મહાત્મા ગાંધીજીએ લોકોના માનસની ભાષા કહી હતી. તમામ વિષયો પ્રત્યે સમાજને જાગૃત કરી લોકોની માનસિકતા પલટાવવાનું સૌથી મહત્વનું કાર્ય હિન્દી ભાષાએ જ કર્યું છે. બોલીવુડના કલાકારોને જનમાનસમાં હિન્દી ભાષાએ જ સ્થાપિત કર્યા છે.હિન્દી સાહિત્યખુમારી, રોજગારી, સ્વાભિમાન, કલાને માન આપવાની સાથોસાથ સંસ્કૃતિનું સિંચન કરતી તુલસીદાસની 'રામચરિત માનસ', પ્રેમાનંદની ગોદામ સહિતની સમાજ જીવનનું ઘડતર કરતી કૃતિઓ પણ હિન્દીમાં જોવા મળે છે, જે દર્શાવે છે કે હિન્દી એ આપણી પોતીકી ભાષા છે. તેને બધા નાગરિકોએ અપનાવવી જ જોઇએ.વિશ્વ હિન્દી દિવસવર્ષ 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્ષ 1975થી ભારત, મોરિશિયસ, યુનાઇટેડ કિંગડમ, ત્રિનિદાદ અને ટોબેગો, યુએસએ જેવા વિવિધ દેશોમાં વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ત્યારથી આ દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ હિન્દી દિવસની ઉજવણીનો હેતુ વિશ્વમાં હિન્દીને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે. આ દિવસ નિમિતે દુનિયાભરમાં નિબંધ સ્પર્ધા સહિત વિવિધ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.