9 જેટલી સોસાયટીની પાણીની લાઇન લીકેજ થતા રીપેરીંગ કર્યા બાદ પણ અઠવાડિયાથી પાણી ન આવતા સોસાયટીઓના રહીશો વિફર્યા, ચીફ ઓફિસર ન આવતા તંત્રને રજુઆત કરીને પાણી પ્રશ્ન હલ ન થાય તો ફરી મોરચો માંડવાની ચીમકી આપીમોરબી : મોરબીના વોર્ડ નંબર 10 એટલે સ્કાય મોલ સામે આવેલી 9 જેટલી સોસાયટીના રહીશોએ આજે પાણી પ્રશ્ને નગરપાલિકામાં દોડી જઈને પાણી આપોની નારેબાજી કરી તેમની 9 જેટલી સોસાયટીની પાણીની લાઇન લીકેજ થતા રીપેરીંગ કર્યા બાદ પણ અઠવાડિયાથી પાણી ન આવતા ભોગવવી પડતી હાડમારીની હૈયાવરાળ ઠાલવી હતી.મોરબીના વોર્ડ 10માં આવેલ ભરતનગર , ચિત્રાનગર , નિધિ પાર્ક, પટેલ કોલોની,શ્રીજી પાર્ક,ધર્મલાભ, શિવમ સોસાયટી, પીજી કલોક સોસાયટી સહિતની 9 જેટલી સોસાયટીના રહીશોએ પૂર્વ કાઉન્સિલર જયંતિભાઈ વિડજા સાથે આજે નગરપાલિકા કચેરીએ દોડી જઈને કચેરી બહાર ધરણા પર બેસી જઈ પાણી પ્રશ્ને પાણી આપોના નારા લગાવી ખાસ્સો સમય સુધી ઉગ્ર દેખાવો કર્યા હતા. આ લોકોના કહેવા મુજબ અગાઉ તેમની સોસાયટીઓની મેઈન પાણીની લાઈન તૂટી ગઈ હોય ત્યારબાદ રીપેરીંગ કરવા છતાં પૂરતું પ્રેશર ન હોવાથી છેલ્લા આઠ દિવસથી ભરશિયાળે પાણીની મોકણ સર્જાઈ છે અને લોકો પીવાનુ પાણી વેચાતું લેવા મજબુર બનવું પડતું હોય રોજેરોજની આ પાણીની હૈયાહોળીથી કંટાળી આજે પાલિકામાં મોરચો માંડવો પડ્યો હોય અને ચીફ ઓફિસરને રજુઆત કરવાનું જણાવી ખાસ્સો સમય સુધી બેસી રહ્યા બાદ પણ આ અધિકારી ન ડોકાતા અંતે પાલિકા તંત્રએ યોગ્ય કરવાની ખાતરી આપતા આ રહીશોએ હવે પછી પણ પાણી નહિ આવે તો ફરી પાલિકામાં રજુઆત કરવાનું જણાવ્યું હતું.