મોરબીના લગધીરવાસ ચોક તેમજ નગર દરવાજા રોડ નજીક પોલીસે કરેલી કાર્યવાહી મોરબી : ઉતરાયણ પર્વ નજીક છે ત્યારે સરકારના આદેશથી મોરબી જિલ્લામાં માનવજાત તેમજ પક્ષીઓ માટે ઘાતક એવા ચાઈનીઝ દોરાના વેચાણ વપરાશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં છાનાખૂણે આવા ઘાતક દોરાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લગધીરવાસ ચોક તેમજ નગર દરવાજા રોડ ઉપરથી ઘાતક ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા બે શખ્સને ઝડપી લઈ 57,500ની કિંમતની 115 ફીરકી કબ્જે કરી કાનૂની કાર્યવાહી કરી હતી.મોરબી શહેરમાં છાનાખૂણે ઘાતક ચાઈનીઝ દોરાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ દરોડાની બે કાર્યવાહી કરી હતી જેમાં પ્રથમ કાર્યવાહીમાં લગધીરવાસ ચોક દરવાજા અંદર હરસીધ્ધી સીઝન સ્ટોલ નામની દુકાનમાથી પોલીસે આરોપી જેકીભાઇ અશોકભાઇ કારીયા રહે.લગધીરવાસ ચોક વાળાને મોનો સ્કાય બ્રાન્ડ ચાઈનીઝ દોરાની 55 ફીરકી કિંમત રૂપિયા 27,500 તેમજ બીજી કાર્યવાહીમાં નગરદરવાજા રોડ ઉપરથી આરોપી સાજીદભાઇ સિદીકભાઇ સરવદી, રહે.ટંકારા મામલતદાર ઓફિસ પાસે ટંકારા જી.મોરબી નામના શખ્સને 60 પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી કિંમત રૂપિયા 30 હજાર સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.