મોરબી : મોરબીની દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલમાં ગત તારીખ 6 જાન્યુઆરીના રોજ લોકસેવક સ્વ. ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તારીખ 6 જાન્યુઆરીને શનિવારનાં રોજ શાળાના પટાંગણમાં નિર્માણ પામેલ સાંસ્કૃતિક હોલના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે સાંસદ અને ભારત સરકારના પૂર્વ મંત્રી મોહનભાઈ કુંડારીયા તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા હાજર રહ્યા હતા. જ્યારે કાર્યક્રમના પ્રમુખ સ્થાને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના વડા ડો. જયંતીભાઈ ભાડેસીયા હાજર રહ્યા હતા. અન્ય ઉપસ્થિત મહાનુભાવોમાં કબીરધામ વાવડીના મહામંડલેશ્વર શિવરામદાસજી બાપુ, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવિયા, એપીએમસી મોરબીના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, સામાજિક કાર્યકરો, આગેવાનો અને શાળા પરિવારના સૌ ટ્રસ્ટીઓ, શાળાના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત શાળાના આદ્યસ્થાપક સ્વ. ગોકળદાસ પરમારની પ્રતિમાનું અનાવરણ કરી તેમને પુષ્પમાળા અર્પણ કરી ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતાએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સ્વ. ગોકળદાસ પરમાર સાથેના તેઓના કાર્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમમાં આશીર્વચન આપતા કબીરધામ વાવડીના મહામંડલેશ્વર શિવરામદાસજીએ સ્વ. ગોકળદાસ પરમાર સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા જેમાં તેમની સત્ય-નિષ્ઠા જીવનમાં સાદાઈ અને શિસ્તની વાતો કહી હતી.કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી ડો. જયંતીભાઈ ભાડેસીયાએ સ્વ. ગોકળદાસ પરમારના વિચારોની સરખામણી જુદા જુદા નેતાઓ જેવાકે સરદાર પટેલ, અટલબિહારી વાજપેયીજીનાં વિચારો સાથે કરી જેમાં તેમના ઉચ્ચ વિચારો, કાર્યમાં ચોકક્સાઈ, સાચા અર્થમાં લોકસેવા કેવી હોય...! જેવા ગુણોની વાતોથી બધાને પ્રેરિત કર્યાં હતા. ઉપરાંત તેમણે સ્વ. ગોકળદાસ પરમાર સાથે વિતાવેલા સમયની યાદો રજૂ કરી. ત્યાં બેઠેલા બધાને સ્વ. ગોકળદાસ પરમાર પર લખાયેલ એક પુસ્તક 'ગાંધી બાગનું પુષ્પ' વાંચવા માટે સૌને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ પધારેલા સૌ મહેમાનોનું આભાર દર્શન કર્યું હતું. આજરોજ યોજાયેલા આ કાર્યક્રમમાં સૌ સ્ટાફગણનાં માર્ગદર્શન હેઠળ શાળાની વિદ્યાર્થિનીઓએ શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સ્વ. ગોકળદાસ પરમારની આબેહૂબ પ્રતિકૃતી રૂપ રંગોળી બનાવી હતી જે સૌના ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત વિવિધ પ્રકારની રંગોળીઓ બનાવી, વર્ગ સુશોભન, સાંસ્કૃતિક હોલનું સુશોભન કરેલું અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌ મહેમાનો ચા - નાસ્તો કરી છૂટા પડ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, આચાર્ય, સૌ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.