બે દિવસ પહેલા બનેલી ઘટનામાં દુષ્કર્મી તેમજ બે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદમોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં રહેતી યુવતી પાનવાળાની દુકાને વિમલ ગુટખા લેવા ગયા બાદ નરાધમ પાન વાળાએ નિર્બળ માનસિક સ્થિતિ ધરાવતી યુવતીને અવાવરું ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતા ચકચાર જાગી છે, જો કે, દીકરી લાંબો સમય સુધી ઘેર પરત ન આવતા દીકરીને શોધવા ગયેલા પરિવારજનોને દુષ્કર્મી અને તેના મળતીયાઓએ બેફામ માર મારતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માધાપર વિસ્તારમાં રહેતી યુવતીની કોરોના બાદ માનસિક સ્થિતિ ખરાબ હોય બે દિવસ પૂર્વે રાત્રીના સમયે વાવડી રોડ ઉપર પાનની દુકાન ધરાવતા આરોપી ગોપાલ ભોજાભાઈ મકવાણાની દુકાને વિમલ લેવા ગઇ હતી ત્યારે આરોપી ગોપાલ યુવતીને નજીકમાં આવેલ એક ઓરડીમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યું હતું.બીજી તરફ યુવતી લાંબો સમય સુધી ઘેર ન પહોચતા પરિવારજનો યુવતીને શોધવા બહાર નીકળ્યા હતા અને અવાવરું જગ્યાએથી યુવતીને આવતી જોઈ હતી અને યુવતી પાછળ દુષ્કર્મ ગુજારનાર આરોપી ગોપાલ ભરવાડ પણ આવતો હોય યુવતી બાબતે પૂછતાં જે થાય તે કરી લો કહી યુવતીના ભાઈ તેમજ બહેનોને ગોપાલ તેમજ બે અજાણ્યા માણસોએ હુમલો કરી માર મારતા બેવડા ગુન્હામાં કુલ ત્રણ શખ્સ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.