હળવદ : હળવદ શહેરને અડીને આવેલા માળિયા-ધ્રાંગધ્રા એપ્રોચ સ્ટેટ હાઈવે પર લાઈટીંગની વ્યવસ્થા કરવા માટે હળવદ નગરપાલિકાએ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.હળવદ નગરપાલિકાને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, હળવદ શહેર નજીકથી માળિયા-ધ્રાંગધ્રા સ્ટેટ હાઈવે પસાર થાય છે. આ હાઈવેને અડીને એપીએમસી અને જીઆઈડીસી જેવી સંસ્થાઓ આવેલી છે. જ્યાં 24 કલાક વાહનોની અવરજવર ચાલુ હોય છે. હળવદમાંથી પસાર થતો રોડ આ રાજ્ય માર્ગને એપ્રોચ છે. હળવદમાંથી પસાર થતાં રોડના ખુણા સુધી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા છે પરંતુ સ્ટેટ હાઈવે એપ્રોચ કોઈપણ પ્રકારની લાઈટની વ્યવસ્થા ન હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાય છે. જેથી જાનમાલનું નુકસાન પણ થાય છે. તો આ સ્ટેટ હાઈવે તથા એપ્રોચ રોડના ત્રિકોણ ખુણા ઉપર ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જરૂરી લાઈટીંગની વ્યવસ્થા કરી આપવામાં આવે જેથી અકસ્માતના બનાવો અટકાવી શકાય.