વાંકાનેર અને મોટી બરારના આચાર્યની શિક્ષણ અધિકારીના પ્રમોશન સાથે બદલીમોરબી : મોરબી જિલ્લાના નવા શિક્ષણ અધિકારી તરીકે કમલેશકુમાર મોતા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નમ્રતા મહેતાને મુકવામાં આવ્યા છે. સાથે જિલ્લાના બે આચાર્યને શિક્ષણ અધિકારીની બઢતી પણ મળી છે.શિક્ષણ વિભાગ દ્વારા આજે રાજ્યના 3 જિલ્લા શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાથે 57 વર્ગ-2ની કેડરના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને આચાર્યોની બઢતી સાથે બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં રાજકોટની બાઈ સાહેબબા હાઈસ્કૂલના આચાર્ય નમ્રતા મહેતાને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે અને ગુંદીયાણી માધ્યમિક શાળાના આચાર્ય કમલેશકુમાર મોતાને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત વાંકાનેર મોડેલ હાઈસ્કૂલના આચાર્ય નિલેશ રાણીપાને જિલ્લા શિક્ષણ અધિકારીની બઢતી સાથે રાજકોટમાં જ્યારે મોટી બરાર મોડેલ સ્કૂલના આચાર્ય ભરતકુમાર વિડજાને પણ શિક્ષણ અધિકારીના પ્રમોશન સાથે જામનગરમાં મુકવામાં આવ્યા છે.